(પ્રતિનિધિ) નડિયાદ, તા.20
નડિયાદના મધ્યમાં આવેલા 80 વર્ષથી વધુ જૂના પ્રભાત સિનેમાની એક દિવાલ આજે સવારે અચાનક ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં નીચે પાર્ક કરેલા બે એક્ટિવાને નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સિનેમા હોલનું બાંધકામ અત્યંત જર્જરિત હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, અને આ ઘટના બાદ આસપાસના દુકાનદારો તેમજ રહેવાસીઓમાં ભયનો માહોલ છવાયો છે.

આજે સવારે નડિયાદના ભરચક વિસ્તારમાં આવેલ પ્રભાત સિનેમાની દિવાલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ સિનેમા હોલ 80 વર્ષથી પણ વધુ જૂનું હોવાથી તેનું માળખું અત્યંત જર્જરિત થઈ ગયું છે. દિવાલ પડવાના કારણે નીચે પાર્ક કરેલા બે એક્ટિવાને મોટું નુકસાન થયું હતું. ઘટના સમયે આ વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હોવાથી અને નજીકમાં આવેલા બે મોટા ફળિયા હોવા છતાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જે એક મોટી રાહતની વાત છે. દિવાલનો હિસ્સો પડતાની સાથે જ વિસ્તારમાં અવર-જવર બંધ થઈ ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ જૂના બાંધકામમાં અનેક સ્થળોએ મોટી તિરાડો અને જર્જરિત થયેલું બાંધકામ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સ્થાનિકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને નગરપાલિકાની ટીમ દ્વારા સમગ્ર બિલ્ડિંગને ઉતારી લેવાની પ્રબળ માંગણી કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને.