Charotar

નડિયાદમાં 7.47 લાખ ટેક્સ બાકી નિકળતાં બેસ્ટ મસાલા એકમ સીલ

ટેક્સ ઉઘરાવતી ટીમોએ કડકાઈથી કામ લેતા અત્યાર સુધી 70 લાખ ટેક્સ જમા થયો
કર્મવીર હાઈટ્સમાં ફાયર સેફ્ટી ન હોવાથી કનેક્શનો કપાયા
(પ્રતિનિધિ) નડિયાદ, તા.20
નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરના પીપલગ ચોકડી પાસે નગરપાલિકાની હદમાં આવતા એક મોટા એકમનો 7.47 લાખ ટેક્સ બાકી હોવાથી પહેલા નોટીસ આપી અને ટેક્સ ભરવા સમજાવટ કરી હતી, પરંતુ એકમ માલિક દ્વારા ટેક્સ ભરવામાં રસ ન દાખવતા આજે આ મસાલાનો એકમ સીલ કરી દેવાયો છે. તો બીજીતરફ નગરપાલિકાના ફાયર વિભાગે પીપલગ રોડ પર કર્મવીર હાઈટ્સમાં ફાયર સેફ્ટીનો અભાવ હોય, કોમ્પલેક્ષના લાઈટ, ગટરના કનેક્શન કાપી નાખ્યા છે.
નડિયાદ નગરપાલિકાની ટેક્સ અને ફાયર વિભાગે આજે શહેરમાં ધડબટાડી બોલાવી છે. ટેક્સ વિભાગની રીકવરી માટે આજે નીકળેલી ટીમોએ શહેરના વિવિધ એકમોમાં બાકી ટેક્સ ભરપાઈ કરવા નોટીસો બજાવી હતી. આ વચ્ચે એકાઉન્ટન્ટ મુકેશભાઈ પટ્ટણીએ પીપલગ ચોકડી પાસે નડિયાદ પાલિકાની હદમાં આવતા બેસ્ટ મસાલાના એકમમાં તેનો બાકી પડતો 7,47,468 રૂપિયાનો ટેક્સ ભરપાઈ કરવા માટે સમજણ કરી હતી. પરંતુ એકમ માલિક દ્વારા ટેક્સ ભરવામાં આનાકાની કરતા અંતે અહીંયા પહોંચેલી પાલિકાની ટીમે એકમ સીલ કરી દીધુ હતુ. આ સાથે જ ટેક્સ ઉઘરાતી ટીમો દ્વારા કડકાઈથી કામ લેતા અત્યાર સુધી પાલિકામાં 70 લાખનો ટેક્સ જમા થયો છે. બીજીતરફ આજે નડિયાદ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા ગત રોજ મિશન રોડ પર સપાટો બોલાવ્યા બાદ આજે પીપલગ રોડ પર કાર્યવાહી કરી હતી. પીપલગ રોડ પર આવેલા કર્મવીર હાઈટ્સ નામના કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી અગાઉ નોટીસો ફટકાર્યા બાદ હજુ સુધી કોમ્પલેક્ષના માલિકો દ્વારા ફાયર સુવિધા ઉભી ન કરાઈ નહોતી. જેના પગલે ત્યાં પહોંચેલી ફાયરની ટીમે આજે કોમ્પલેક્ષમાં લાઈટ અને ગટરના કનેક્શનો કાપી નાખ્યા હતા. જેના પગલે કોમ્પલેક્ષના કોમર્સિયલ એકમો ચલાવતા વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો. નગરપાલિકાની આ કાર્યવાહીના પગલે શહેરમાં ફફડાટ વ્યાપ્યો છે.

Most Popular

To Top