પિતાના અવસાન બાદ ભાઈની જાણ બહાર બહેને વારસાઈમાં ઓરમાન માનું નામ ઉમેરી દીધું
(પ્રતિનિધિ) નડિયાદ તા.27
નડિયાદ શહેરમાં ભાઇ – બહેનની સંયુક્ત માલીકીના ફ્લેટમાં ભાગ આપવો ન પડે તે માટે ભાઇના અવસાન બાદ બહેને બોગસ વારસાઇ કરાવી હતી. જેમાં બહેને 135 ડીની નોટીસની બજવણી ન થાય તે માટે બોગસ સહી કરી હતી. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધ્યો હતો.
નડિયાદના નાના કુંભનાથ રોડ પર બાલાજી સોસાયટીમાં રહેતા અંજલી ભટ્ટના પતિ શિલ્પ ભટ્ટનુ 30મી નવેમ્બર,2023ના રોજ લીવરની બિમારીના કારણે અવસાન થયું હતું. આ અગાઉ તેમના સાસુ – સસરાનું પણ અવસાન થયું હતું. નડિયાદના ઇન્દીરા ગાંધી માર્ગ પર આવેલા શિલ્પ ફ્લેટમાં શિલ્પના પિતા સુનિલ ભટ્ટની માલીકીનું મકાન આવેલું હતું. સાસુ – સસરાના અવસાન બાદ શિલ્પ ફ્લેટવાળા મકાનમાં અન્ય વારસદારોના નામ મિલકતમાં દાખલ કરાવવા માટે શિલ્પના બહેન સેજલબહેને સીટી સર્વેની કચેરી ખાતે 26મી મે, 2021ના રોજ અરજી કરી હતી. આ અરજી સાથે સેજલબહેને અન્ય દસ્તાવેજી પુરાવાઓ સામેલ રાખ્યાં હતાં. જેમાં પેઢીનામું પણ રજુ કર્યુ હતું. આ અરજી બાદ શિલ્પ, સેજલબહેન અને ઉમાબહેનનું નામ ઉમેરાયું હતું. જોકે, શિલ્પના પિતા સુનીલભાઈએ બીજા લગ્ન ઉમાબહેન સાથે કર્યાં હતાં.
આ ઉમાબહેને કલેક્ટર સમક્ષ ભરણ પોષણની અરજી કરી હતી. આ અરજી સાથે ઉમાબહેને વારસાઇ નોંધ અંગેના કાગળો સામેલ રાખ્યાં હતાં. આ કાગળો અંજલીબહેનના ધ્યાને આવતાં તેઓ ચોંકી ગયાં હતાં. આ કાગળોમાં ઉમાબહેને 135 ડીની નોટીસ સામેલ કરી હતી. જેમાં બીજા નંબર પર શિલ્પનું પણ નામ હતું. જેમાં સહિ વાળા કોલમમાં શિલ્પની બોગસ સહી હતી. આમ, કોઇએ ખોટી સહી કરી હતી. આ ઉપરાંત ઘરનું સરનામું પણ શારદાનગર સોસાયટીનું હતું. હકિકતમાં શિલ્પ તે સરનામે રહેતા જ નહતાં. જ્યારે શારદાનગર સોસાયટીના સરનામા પર શિલ્પની બહેન સેજલબહેન તેના પતિ અને પરિવાર સાથે રહે છે. આ મામલે અંજલીબહેને તપાસ કરતાં મિલકત ફેરફાર નોંધમાં ઉમાબહેનનું નામ પણ સંયુક્ત માલીક તરીકે ઉમેરો થયો છે. જે અંજલીબહેનના સસરા સુનીલભાઈના બીજા પત્ની છે. તેમના લગ્ન પણ કાયદેસરના ન નથી.
આમ, અંજલીબહેનના પતિનું ખોટું સરનામું 135 ડીની નોટીસમાં દર્શાવવા બાબતે તપાસ હાથ ધરી હતી. જેમાં સેજલ રોનક ભટ્ટે ખોટું સરનામું દર્શાવી, તેના જ ભાઇ શિલ્પની ખોટી સહી કરી હતી. જેથી નોટીસની બજવણી ન થતા મિલકતમાં ઉમાબહેનનું ગેરકાયદેસર નામ ઉમેરો થયો છે. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે સેજલ રોનક ભટ્ટ (રહે. શારદાનગર સોસાયટી, નડિયાદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.