Business

નડિયાદમાં વૃદ્ધા પર ગોળીબારનો મામલોઃ પોલીસ પોતે ગોટાળે ચઢી, પોલીસે 30 લાયસન્સ ધારકોની તપાસ કરી છતાં પરીણામ શૂન્ય


ભરચક વિસ્તારમાં ટાઉન પોલીસના નાક નીચે ગોળીબાર થતા વૃદ્ધા ઈજાગ્રસ્ત થયા હતા
(પ્રતિનિધિ) નડિયાદ, તા.29
નડિયાદમાં ગઈકાલે સવારે બજારના ભરચક વિસ્તારમાં એક વૃદ્ધાને ધોળા દિવસે ડાબા હાથમાં કાંડાના ભાગે ગોળી વાગવાની ઘટના બની છે. આ સમગ્ર મામલે પોલીસે ફરીયાદ નોંધ્યા બાદ અત્યાર સુધી વિસ્તારના 30 જેટલા લાયસન્સ ધારકોની તપાસ કરી છે, પરંતુ પરીણામ હાથ લાગ્યુ નથી. ઉપરાંત પ્રાથમિક દ્રષ્ટિએ પિસ્તોલથી જ આ ગોળી ચલાવાઈ હોવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જો કે, હવે પોલીસ આ ગોળીને એફ.એસ.એલ.માં મોકલે તે બાદ જ વધુ વિગતો સામે આવે તેમ છે. જો કે, આખા કેસમાં તપાસકર્તા સહિત આખુ ટાઉન મથક ગોટાળે ચઢ્યુ છે.
નડિયાદ શહેરમાં મઢી ચકલા પંચ કુઈ પાસે દીપ બંગલોઝમા 74 વર્ષિય શોભનાબેન બીપીનચંદ્ર તલાટી પર ગઈકાલે વહેલી સવારે ફાયરીંગની ઘટના બની હતી. ટાઉન પોલીસની હદમાં આ બિના બની અને સવારે બનેલી ઘટનાની પોલીસને મોડી સાંજે ખબર પડી, જેથી ટાઉન પોલીસની નિષ્ક્રિયતા પણ સીધી સ્પષ્ટ થઈ રહી છે. આ વચ્ચે ઘટનાની જાણ થયા બાદ પોલીસે જાતે જ આ મામલે શોભનાબેનની ફરીયાદના આધારે તેમની હત્યાનો પ્રયાસ કરાયો હોવાની ફરીયાદ મોડી રાતે દાખલ કરાવી. જેની તપાસમાં ટાઉન પોલીસ ઈન્સપેક્ટર એમ.બી. ભરવાડે આ વિસ્તારમાં લાગતા સંતરામ પોલીસ ચોકીના હદમાં 42 લાયસન્સ ધારકો પૈકી ઘટનાસ્થળની નજીકવાળા 30 જેટલા લાયસન્સ ધારકોની તપાસ કરી લીધી છે, પરંતુ પોલીસને આ બાબતે કંઈ પણ હાલ લાગ્યુ નથી. પોલીસે આ મામલે સીસીટીવી ખંગાળવાનું શરૂ કર્યુ છે. તો આ સિવાય વૃદ્ધાને અન્ય કોઈ જૂના કોર્ટ કેસથી માંડી તકરારો પણ ન હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયુ છે. નડિયાદ ટાઉન પોલીસના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગોળી ખૂબ દૂરથી વાગી છે, જો ગોળી નજીકથી વાગી હોત તો તેની ગતિ મુજબ હાથમાંથી આરપાર નીકળી ગઈ હોત. જો કે, આ ગોળી એફ.એસ.એલ.માં મોકલ્યા બાદ તે દેશી પિસ્ટલ કે પછી સ્ટાન્ડર્ડ પિસ્તોલથી છોડવામાં આવી છે, તે નક્કી થશે. તેમજ જો સ્ટાન્ડર્ડ હથિયારથી ગોળી મારવામાં આવી હશે, તો તે મોટાભાગે લાયસન્સધારકની હોવાની પણ શક્યતાઓ છે. જો કે, હાલ તો સમગ્ર ઘટના ટાઉન પોલીસના નાક નીચે બની છે અને ટાઉન પોલીસ હજુ પણ ગોટાળે ચઢી છે. ત્યારે હવે આ બાબતે પોલીસની તપાસ પર સમગ્ર શહેરવાસીઓની નજર છે.

ગોળી છૂટી અને વૃદ્ધાને વાગી તેની પ્રથમ જાણ ઓર્થોપેડીકને થઈ
આ સમગ્ર મામલે પોલીસ ફરીયાદ મુજબ ગોળી વાગતા જ વૃદ્ધાને કંઈક ઝાટકો વાગ્યો તેમ લાગ્યુ અને તેમણે પોતાના ઘરની સામે બેઠેલા ભરત દેસાઈને બૂમ પાડી. ભરત દેસાઈ અને વૃદ્ધાના પરીચિતો ઘરે પહોંચ્યા અને લોહી નીકળતા જોઈ અને હળદર લગાવી દીધી. આ બાદ 2 કલાક સુધી વૃદ્ધા ઘરે રહ્યા. તે પછી નજીકના એક ક્લિનિકમાં બતાવવા માટે ગયા, જ્યાં ક્લિનિકના ડૉક્ટરને રસોળી જેવુ લાગ્યા અને છતાં જજમેન્ટ ન આવતા પ્રાથમિક સારવાર કરાવી અને એક્સ-રે કરાવવા માટે જણાવ્યુ. વૃદ્ધાને એક્સ-રે કરાવવા પહોંચ્યા જ્યાં અંદર હાથમાં મેટલ જેવી વસ્તુ દેખાઈ. જેથી નજીકના ઓર્થોપેડીક પાસે જઈ તપાસ કરાવતા ઓર્થોપેડીકે ઓપરેશન કરી આ મેટલ કાઢતા તે બંદૂકની ગોળી હોવાનું માલુમ પડ્યુ હતુ અને સૌ કોઈ ચોંકી ગયા હતા.

પોણા પાંચ વાગે ટાઉન પી.આઈ. એફ.એસ.એલ. અને પંચનામુ કરવા પહોંચ્યા
ગઈકાલે આ ઘટના બની હતી અને તે મામલે ફરીયાદ નોંધાઈ ગઈ હતી. જે બાદ આજે નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેક્ટર એફ.એસ.એલ. અધિકારી સાથે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે પંચનામુ કર્યુ હતુ અને સાથે જ આ ગોળી સહિતની સામગ્રી એફ.એસ.એલ. માટે મોકલી આપી છે.

Most Popular

To Top