પ્લેટીનમ પ્લાઝામાં મીટરમાં આગ લાગી તો અંજલી ફ્લેટમાં ફ્રીજનું કોમ્પ્રેસરમાં ધુમાડા નીકળ્યા
નડિયાદ | નડિયાદ શહેરમાં આજે આગના બે નાના બનાવો બન્યા છે. નડિયાદ શહેરના હાર્દ સમા વિસ્તારમાં એક મોટા બિલ્ડીંગના પાર્કિંગ ઝોનમાં આવેલા મીટરના એક બોક્ષમાં આગ લાગી હતી. તો સિવિલ રોડ પર અંજલી ફ્લેટમાં એક ફ્રીજમાં કોમ્પ્રેસરમાં ધુમાડા નીકળ્યા હતા. બંને સ્થળે ફાયર વિભાગે પહોંચી અને તેના પર કાબુ મેળવ્યો હતો. પ્લેટીનમ પ્લાઝામાં ફાયર સેફ્ટીની સુવિધા છે. પરંતુ ત્યાં ફાયર એન.ઓ.સી. અપાયેલુ છે કે કેમ? તે અંગે ફાયર સુપ્રિટેન્ડેન્ટ પણ સ્પષ્ટતા કરી શક્યા નથી.
શહેરના સ્ટેશન રોડ પર આવેલ પ્લેટેનિયમ પ્લાઝા કોમ્પલેક્ષમા આજે શુક્રવારની સવારે પોણા અગિયાર વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. કોમ્પલેક્ષના પાર્કિંગ એરિયામાં ગોઠવાયેલા વીજ મિટર બોક્સ નજીક સોર્ટ સર્કિટ થવાના કારણે આગના તણખા ઝર્યા હતા. જોકે વાહન મુકવા આવેલા સ્થાનિકો ગભરાઈ ગયા હતા અને સમગ્ર બાબતની જાણ નડિયાદ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ બે વોટરબ્રાઉઝર સાથે ફાયરની ટીમ પહોંચી હતી. જોકે તે પહેલા જ આગને બુઝાવી દીધી હતી. જે બાદ MGVCLને ઘટનાની જાણ થતાં તાબડતોબ વીજ સપ્લાયને બંધ કરી દીધો હતો. અને સ્થળ પર તેની ટીમ પણ દોડી આવી હતી. આ બનાવના પગલે કોમ્પલેક્ષમા ભારે અફડાતફડી મચી જવા પામી હતી. કોમ્પલેક્ષ બહાર લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. મહત્વનું છે કે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. આ તરફ શહેરના સિવિલ રોડ પર અંજલી કોમ્પલેક્ષમાં આવેલા એક ફ્લેટમાં ફ્રીજના કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જ્યાં પણ ફાયર વિભાગે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ તરફ પ્લેટીનમ પ્લાઝામાં જ્યાં આગ લાગી હતી, તે કોમ્પલેક્ષણાં 60 જેટલા વીજ મીટરો હતા. આ સાથે જ પાર્કિંગમાં વાહનો પડ્યા હતા અને ઉપક કોમ્પલેક્ષમાં અનેક દુકાનો આવેલી છે, તો કોમ્પલેક્ષની બહાર મોટી સંખ્યામાં વાહનો પાર્ક કરાયેલા હોય છે. જેથી અહીંયા સમય સૂચકતાથી મોટી દુર્ઘટના બનતા અટકી છે.