માથાભારે ઈસમ વિક્રમ હામા ભરવાડ અને સંજય હામા ભરવાડને ભાવનગર અને રાજકોટ જેલમાં મોકલાતા અસામાજીક તત્વોમાં ફફડાટ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.10
નડિયાદમાં પીપલગ રોડ પર ખનીજ માફીયાઓએ એક પત્રકાર પર ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલા પ્રકરણમાં સંડોવાયેલા મુખ્ય બે ખનીજ માફીયાઓની પાસા દરખાસ્ત મંજૂર થતા ગત મોડી રાત્રે પોલીસે તેમની ધરપકડ કરી અને જિલ્લા બહારની જેલોમાં ધકેલી દીધા છે. માથાભારે કહેવાતા આ ઈસમોને ભાવનગર અને રાજકોટ એમ બે જુદી-જુદી જેલોમાં ધકેલ્યા છે. સ્થાનિક પોલીસ પ્રશાસન અને ખાણ-ખનીજ વિભાગ સહિત રાજકીય આકાઓના આશીર્વાદથી છાટકા બનેલા આ અસામાજીક તત્વો પર પાસા થતા અન્ય માથાભારે ઈસમોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.
માર્ચ-2024માં નડિયાદમાં ખનનની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે જોડાયેલા વિક્રમ હામા ભરવાડ અને સંજય હામા ભરવાડે અને તેમના સાગરીતોએ શહેરના એક પત્રકાર કરૂણેશ પંચમવેદી પર જીવલેણ હુમલો કર્યો હતો. ખૂબ લાંબા સમય સુધી નડિયાદ પશ્ચિમ પોલીસ અને ખાણ-ખનીજ વિભાગ સહિત રાજકીય આશીર્વાદથી સંરક્ષિત બનેલા આ ભરવાડ બંધુઓના કેસમાં ખૂબ મોટો વળાંક આવ્યો છે. જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાને રાખી અને પશ્ચિમ પોલીસ પાસે આ ભરવાડ બંધુઓના પોલીસ ચોપડે નોંધાયેલા જૂના રેકર્ડ મંગાવાયા હતા, જે તમામને ધ્યાને લઈ અને જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયુ હતુ. જિલ્લા એલ.સી.બી.ની ટીમે તમામ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી અને જિલ્લા કલેક્ટર સમક્ષ બંને માથાભારે ઈસમો વિરુદ્ઘ પાસાની દરખાસ્ત કરી હતી અને આ મામલે અંતે જિલ્લા કલેક્ટર દ્વારા બંને માથાભારે ઈસમોની પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેના પગલે આ બંને ઈસમોને ભાવનગર અને રાજકોટ જેલમાં મોકલવાના આદેશ કર્યા હતા. જેથી પોલીસે રાતોરાત આ બંને ઈસમોની ધરપકડ કરી અને સબંધિત જેલોમાં મોકલવાની કામગીરી પણ પૂર્ણ કરી દીધી છે. પ્રશાસનની આ કામગીરીના કારણે હવે અસામાજીક પ્રવૃતિઓ સહિત ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા માથાભારે ઈસમોમાં પણ ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે, પત્રકાર પોતાના પત્ની સાથે ગાડીમાં જઈ રહ્યા હતા, તે દરમિયાન એક ગેરકાયદેસર ખનન સાથે સંંકળાયેલા ડમ્પર ચાલકે પુરપાટ ઝડપે પત્રકારની ગાડીને ઓવરટેક કરી હતી. જે મામલે પત્રકાર દ્વારા તેનો વિરોધ કરાતા ડમ્પર ચાલકે તેના માલિક અને આ ખનન માફીયા ઈસમોને બોલાવતા, આ માથાભારે ઈસમો દ્વારા ફિલ્મી ઢબે પત્રકાર પર ગાડી ચઢાવવા અને ત્યારબાદ માર મારવામાં આવ્યો હતો અને આ જીવલેણ હુમલામાં પત્રકારને ગંભીર ઈજાઓ થઈ હતી.
અગાઉ આ જ ઈસમોએ ડોક્ટર પર હુમલો કરેલો
અગાઉ પીપલગ રોડ પર એક ડોક્ટર પોતાની ગાડી લઈને પસાર થતા હતા, તે વખતે રસ્તાની વચ્ચે અડચણ થાય તે રીતે આ માથાભારે વિક્રમ ભરવાડ અને સંજય ભરવાડનું ડમ્પર પડ્યુ હતુ. જેથી ડોક્ટરે ચાલકને ડમ્પર હટાવવા માટે જણાવ્યુ હતુ. જ્યાં ચાલકે માથાકૂટ કરી આ બંને ખનન માફીયાઓને બોલાવ્યા હતા અને તેઓ બંને પોતાની ગેંગને લઈ આવી અને ડોક્ટર પર ફિલ્મી ઢબે હુમલો કર્યો હતો. જેમાં ડોક્ટરને ગંભીર ઈજાઓ થઈ હતી અને 307ની કલમ લાગે તેમ હોવા છતાં અને ડોક્ટર અનૂસુચિત જાતિના હોય અને આ ઈસમોએ તેમનું જાતિવાચક અપમાન કર્યુ હોવા છતાં નડિયાદ પશ્ચિમ પોલીસે આરોપીઓને છાવરી અને એટ્રોસીટી અને 307ની કલમ લગાવી ન હતી.
નડિયાદમાં પત્રકાર પર ઘાતકી હુમલો કરનારા ખનન માફીયાઓને પાસા
By
Posted on