ખેડા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ પકડી પાડ્યું
નડિયાદના વ્હોરવાડમાં પોલીસે દરોડો પાડી એક લાખ ઉપરાંતની નકલી નોટ જપ્ત કરી
(પ્રતિનિધિ) નડિયાદ તા.13
નડિયાદ શહેરના વ્હોરવાડના ધુપેલ ખાંચામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે દરોડો પાડી નકલી નોટ સાથે બે શખ્સને પકડી પાડ્યાં હતાં. આ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડા જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમની બાતમી મળી હતી કે, નડિયાદના વ્હોરવાડ ધુપેલનો ખાંચામાં રહેતા મહંમદશરીફ મહેબુબભાઇ મલેકના રહેણાંક મકાનમાં તેના મિત્ર અરબાઝ અલાદ સાથે મળી નકલી ચલણી નોટ છાપી રહ્યાં છે. આ બાતમી આધારે એસઓજીએ ટીમ બનાવી મહંમદશરીફ મલેકના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં મહંમદશરીફ ઉર્ફે શાહુ (ઉ.વ.29)ની અટક કરી તપાસ કરતાં અંદરના રૂમમાં બીજો શખ્સ પલંગ પર બેસી ચલણી નોટોનું કટીંગ કરી ગડી બનાવતો હતો. આથી, તુરંત પોલીસે તેને પકડી પુછતાં તે અરબાઝ ઉર્ફે અબુ અયુબ અલાદ (વ્હોરા) (ઉ.વ.23) (રહે. મરીડા ભાગોળ, નડિયાદ) હોવાનું જણાવ્યું હતું. આ રૂમના પલંગ પર કલર પ્રિન્ટર હતું. જ્યારે મળેલી ગડી તપાસતાં રૂ.500, 200 તથા 100ના દરની નકલી નોટો મળી આવી હતી. જેની ગણતરી કરતાં તે 328 નોટ 1,03,600ની થઇ હતી. આમ, મહંમદશરીફ તથા અરબાઝ ઉર્ફે અબુ ભેગા મળી મેળા પીપણામાં કલર પ્રિન્ટર દ્વારા ભારતીય ચલણી નોટ છાપી તેનો ખરા તરીકે ઉપયોગ કરવાના ઇરાદે એક બીજાને મદદ કરતાં હતાં. તેમની પાસેથી પોલીસે સામગ્રી અને મોબાઇલ મળી કુલ રૂ.17,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ખેડ જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની પ્રાથમિક તપાસમાં આ બન્ને શખ્સ એ4 સાઇઝના પેપરની 70 જીએસએમ પેપર પર કલર પ્રિન્ટથી નોટ છાપતાં હતાં. તેમની પાસેથી ગ્રીન કલરની ડેકોરેશન સેલોટેપ, સ્ટીલની ફુટપટ્ટી, બ્લેડ પેપર કટર, પારદર્શક સેલોટેપ, પેન્સીલ રબર, ગુંદરની નાની બોટલ, ટોનર ઇંકની બોટલ, મોબાઇલ જપ્ત કર્યો હતો.
