નડિયાદ નગરપાલિકાને પાલિકાને હાથે કરેલા હૈયે વાગ્યા
સરદાર પ્રતિમાથી બસ સ્ટેન્ડ તરફની 20 પૈકી 5 દુકાનોની અંદર ખોદકામ કર્યુ
9 તારીખની સુનાવણી સુધી કામગીરી બંધ રાખવા તાકીદ કરી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.4
નડિયાદમાં સાતમ-આઠમે પડેલા 25 ઈંચ જેટલા ભારે વરસાદને પગલે શહેરના મુખ્ય માર્ગ એવા સંતરામ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને ઓસરતા 3 દિવસનો સમય લાગ્યો હતો. જોકે હવે ઊઘાડ નિકળતા પાલિકાને ચોમાસામાં જ બ્રહ્મજ્ઞાન લાધ્યું છે અને એકાએક કાંસ પરની દુકાનોમાં ગેપ ખોલાવી સાફ સફાઈનું સુઝ્યું છે. ત્યારે પાલિકા હસ્તકની કાંસ પરની દુકાનોને નોટીસો પાઠવી ગેપ ખોલવાનો હોય દુકાનો ખાલી કરવા જણાવાયું છે.
નડિયાદ નગરપાલિકા દ્વારા આજે સરદાર પ્રતિમાથી બસ સ્ટેન્ડ તરફ આવેલી 20 દુકાનો પૈકી 5 જેટલી દુકાનોમાં અંદરના ભાગે ખોદકામ કરાયુ હતુ. આ દુકાનો કાંસની ઉપર છે. જેથી આ દુકાનોમાં ખોદકામ કરાયુ હતુ, બસ સ્ટેન્ડથી સરદાર પ્રતિમા તરફ જતો વરસાદી કાંસ શહેરના પૂર્વ ભાગનો મુખ્ય કાંસ છે. તેના કારણે મોટા ભાગનું પાણી આ કાંસમાથી શહેર બહાર ઠલવાઈ છે. પરંતુ તાજેતરમાં વરસાદી પાણી ભરાયા હતા અને પાણીનો નિકાલ થવામાં અવરોધત આવતો હોવાથી પાલિકા વિભાગે એક સપ્તાહ અગાઉ સંતરામ રોડથી સ્ટેચ્યુ તરફના પટ્ટા પર આવેલ કાંસ પરની દુકાનોને સૂચનાઓ આપી દીધી હતી. જે બાદ ગતરોજ આ મામલે દરેક દુકાનદારોને નોટીસો પણ પાઠવી 24 કલાકમાં દુકાન ખાલી કરવા જણાવાયુ હતુ. આજે નગરપાલિકાની ટીમ અત્રે પહોંચી અને કામગીરી આરંભી અને બીજીતરફ અત્રેના દુકાન માલિકો દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જ્યાં દુકાનદારો તરફથી પક્ષ રજૂ કરવા પહોંચેલા વકીલ દ્વારા નગરપાલિકાની કામગીરી અંગેનો વિસ્તારથી રીપોર્ટ આપ્યો હતો. આ મામલે દુકાનદારોના વકીલને સાંભળવામાં આવ્યા હતા. જે બાદ ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સંગીતા કે. વિશેન દ્વારા સમગ્ર મામલો વિસ્તારથી સાંભળ્યા બાદ આ મામલે હાલ પૂરતો સ્ટે આપી અને વધુ સુનાવણી 9 સપ્ટેમ્બરે રાખી છે.
દુકાનોના કારણે કાંસની સફાઈ થતી નથી
હાલ આ વર્ષો જૂની દુકાનોની આવરદા પુરી થઈ જતાં હવે બાંધકામ જર્જરિત થયું છે. આ દુકાનોની નીચેથી શહેરના પાણીને બહાર કાઢતો મુખ્ય કાંસ પસાર થાય છે. પરંતુ લાંબા વર્ષોથી આ કાંસની સાફસફાઈ ન થતાં વરસાદી પાણીના નિકાલમા અવરોધ ઊભો થયો હોવાનું પાલિકાનું માનવું છે. થોડા દિવસ પહેલા પડેલા ભારે વરસાદને પગલે સંતરામ રોડ, સરદારની પ્રતિમા તેમજ શહેરના અન્ય ઠેકાણે પાણી ભરાયા હતા.