નો ઝોનમાં પાર્કિંગ મુદ્દે યુવકને પોલીસની ગાડીમાં બેસાડી ધમકાવ્યો
એનઆરઆઈ યુવકે કેનેડીયન એમ્બેસીમાં ફરીયાદ કરી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.6
કેનેડામાં વર્ષોથી સ્થાયી થયેલા અને હાલ નડિયાદ પોતાના માતા-પિતાને ત્યાં આવેલા NRI યુવકને નો પાર્કિંગ ઝોન જેવી બાબતે સ્થળ પર દંડ આપવાના બદલે પોલીસની ગાડીમાં બેસાડી કર્મચારીઓએ તતડાવી અને ગર્ભિત ધમકીઓ આપી હોવા મામલે છેક દિલ્હીની કેનેડીયન એમ્બેસીમાં યુવકે ફરીયાદ આપી છે. તેમજ એસપી., ડીજીપી, ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ લેખિત ફરીયાદ આપી પોલીસ કર્મીઓ સામે પગલાં લેવા માગ કરી છે.
કેનેડામાં વર્ષોથી સ્થાયી થયેલા રાજ જગદીશભાઈ ચૌહાણ નામનો યુવક હાલ પોતાના નડિયાદના પીજ રોડ પર રહેતા માતા-પિતાના ઘરે આવ્યો છે. તે છેલ્લા કેટલાય સમયથી વહેલી સવારે ચ્હા પીવા માટે બસ સ્ટેન્ડની સામેના એક ટી સ્ટોલ પર આવે છે. યુવક નિત્યક્રમ મુજબ 1લી એપ્રિલે આ ટી સ્ટોલ પર પહોંચ્યો હતો અને પોતાનું એક્સેસ ટી સ્ટોલની બહાર મુકી ચ્હા પીવા લાગ્યો હતો. આ દરમિયાન પોલીસની એક ગાડી આવી હતી અને તેમાંથી બે પોલીસ કર્મચારીઓએ નીચે ઉતર્યા હતા અને ચારેક વાહનોને લોક મારી દીધા હતા. આ વખતે પોતાના એક્સેસને લોક મારતા જોઈ યુવકે મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યુ અને તેનાથી ગિન્નાઈને લોક મારનારા બે પોલીસ કર્મચારીઓએ યુવક સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કર્યુ હતુ.
રાજ ચૌહાણે જણાવ્યું હતું કે, અહીંયા હું રોજ એક્સેસ મુકુ છુ, બીજે ક્યાંય મુકવાની જગ્યા નથી અને હું એનઆરઆઈ છુ અને કેનેડા રહુ છુ. આટલુ કહેતા પોલીસ કર્મીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને જણાવ્યું હતું કે, આ ઈન્ડિયા છે કેનેડા નથી. કેનેડાના નિયમ અલગ છે, અહીંયાના અલગ છે. કેનેડામાં બધા લાયસન્સ લઈને ફરે છે, તારુ લાયસન્સ લાવ. જ્યાં યુવકે ઘરે લાયસન્સ હોય તે લાવવા માટે 10 મિનિટ માંગી હતી. જ્યાં આ પોલીસ કર્મચારીઓ ગિન્નાયા હતા અને તેની સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. બાદ અચાનક યુવકને બંને કર્મચારીઓએ ગાડીમાં બેસાડી દીધો હતો. આ વખતે ગાડી ચલાવનારા ડ્રાઈવરે પણ જણાવ્યુ હતુ કે, આને કંઈ મગજમાં ઉતરતુ નથી, તેને અંદર નાખી દો અને પોલીસ કર્મીઓએ નડિયાદ ટાઉન પોલીસ મથકની બહાર લઈ જઈ યુવક પાસેથી પહેલા 500 રૂપિયાની લઈ અને યુવકે ફરીયાદ નોંધવા જણાવવતા તેને 500 રૂપિયાની પાવતી આપી નીકળી જવા કહ્યું હતુ.
આ ઘટના બન્યા બાદ રાજ ચૌહાણ 6ઠ્ઠી એપ્રિલ એટલે કે આજે ફરી એકવાર ટી સ્ટોલ પાસે પહોંચ્યો હતો, જ્યાં પહેલાથી જ પોલીસની ગાડી હાજર હતી. રાજ ચૌહાણને કંઈક અજુગતુ લાગ્યુ અને તેણે ફોન કાઢી નો પાર્કિંગ ઝોનમાં ઉભેલી પોલીસની ગાડીનો ફોટો પાડવા પ્રયાસ કર્યો, તે વખતે પોલીસની ગાડીમાંથી અગાઉવાળા જ કર્મચારી ઉતરીને આવ્યા હતા અને યુવકે ફરી ધમકાવ્યો હતો અને ચાલ્યા ગયા હતા. આ સમગ્ર મામલે યુવકે કેનેડીય એમ્બેસી અને સબંધિત જગ્યાએ લેખિત ફરીયાદ કરી છે.