Charotar

નડિયાદ મહાનગરપાલિકાનું 897 કરોડનું પ્રથમ બજેટ પર મહોર વાગી

નડિયાદનો નક્શો બદલવાનો ‘પ્લાન’

નગર આયોજન અને નાગરીક સુવિધાઓના કામ માટે 527 કરોડની માતબર ગ્રાંટ ફાળવાઈ

(પ્રતિનિધિ) નડિયાદ, તા.19

નડિયાદ મહાનગરપાલિકાના વહીવટદાર અને કમિશ્નર દ્વારા આજે 897 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો કરવા માટે પ્રથમ બજેટ પર મહોર લગાવી છે. આજે મનપાના પટ્ટાંગણમાં યોજાયેલી બજેટ બેઠકમાં નડિયાદ મનપાના નગર આયોજન અને નાગરીક સુવિધાના કામો માટે 527 કરોડ રૂપિયા ફાળવવાનું નક્કી કરાયુ હતુ. તો સ્વચ્છતા માટે અધધ 81 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ બજેટ બાદ આગામી વર્ષોમાં નડિયાદનો નક્શો બદલાઈ જાય તે મુજબના આયોજન કરવામાં આવ્યા છે.

નડિયાદ મહાનગરપાલિકાના પટ્ટાંગણમાં આજે વહીવટદાર અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને પ્રથમ બજેટ બેઠક બોલાવાઈ હતી. મનપાના આ પ્રથમ બજેટમાં 897 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી મનપા વિસ્તારના વિવિધ ક્ષેત્રે વિકાસ કાર્યો માટે ફાળવવામાં આવ્યા છે. મનપામાં કમિશ્નર જી. એચ. સોલંકીની આગેવાનીમાં હવે આગામી વર્ષમાં વિવિધ વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે. ખાસ કરીને નડિયાદ મનપામાં સમાવાયેલા ગ્રામ્ય વિસ્તારોને શહેર સાથે જોડવા અને શહેરી રંગરૂપ આપવા માટે પણ આયોજન કરવામાં આવનાર છે. આજના બજેટમાં મુખ્યત્વે નગર આયોજન અને સુદ્રઢીકરણ માટે 326 કરોડ, નાગરિક સુવિધાઓના કામો માટે 201 કરોડ, સ્વચ્છતા માટે 81 કરોડ, પાણી નિકાલ માટે 49.5 કરોડ, પર્યાવરણ માટે  40 કરોડ, આરોગ્ય માટે 17.75 કરોડ, સીટી મોબિલિટી માટે 17.25 કરોડ, સાંસ્કૃતિક વારસાના જતન માટે 16.60 કરોડ અને નગર આયોજનને લગતા કામો માટે 11.25 કરોડના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને કાંસ પાણીના વહેણની જગ્યાઓની સફાઈ કરી જરૂર જણાય પાણીના વહેણ માટે નાડાઓનું નિર્માણ કરવામાં આવશે. દરેક મિલકતને યુનિક ક્યુઆરકોડ આપી ટેક્સ મેળવવાની વ્યવસ્થા સરળ કરવામાં આવશે અને કાર્પેટ બેઝ આકારણી માટે સર્વે કરવામાં આવશે. પર્યાવરણ જાળવણી અને જળવાયુ આબોહવા પરિવર્તન સામે સંરક્ષણ હેતુ સોલાર રૂફટોપ, પાણી શુદ્ધિકરણ વ્યવસ્થા, અર્બન ફોરેસ્ટ નિર્માણ, ઓક્સિજન પાર્ક અને મિયાવાકી પ્લાન્ટેશન વનીકરણ, ગુણવત્તા યુક્ત પાણી પૂરું પાડવું, ગ્રીન કેમ્પસ ડેવલપમેન્ટ, સુએઝટ્રીટમેન્ટ પ્લાન સર્વે સહિતના કાર્યો કરવામાં આવશે. પીજ રોડ ખાતે હયાત વોકવેનું અપગ્રેડેશન તેમજ સાયકલ ટ્રેક અને ગાર્ડન ડેવલપમેન્ટ તથા સિનિયર સિટીઝન પાર્ક, વુમન પાર્ક અને ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવશે.

Most Popular

To Top