નડિયાદના ડભાણ બ્રીજ પર ટામેટા ભરેલુ વાહન પલટી ખાઈ ગયુ,
નેશનલ હાઇવેની પેટ્રોલીંગની ટીમ સ્થળ પર પહોંચી ટ્રાફિકને ડાયવર્ટ કરી હાઈવે ખુલ્લો કર્યો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.19
નડિયાદ નજીકના નેશનલ હાઇવે પર ટામેટા ભરેલું વાહન ઉથલી પડતા હાઈવે પર ટામેટા ઠલવાયા હતા. આ અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. અકસ્માતની જાણ નેશનલ હાઇવેની પેટ્રોલીંગને થતા ટીમ સ્થળ પર પહોંચી ટ્રાફિકને ડાયવર્ટ કરી હાઈવે ખુલ્લો કર્યો હતો.
નડિયાદના ડભાણ ગામ નજીકથી અમદાવાદ-મુંબઈને જોડતો નેશનલ હાઇવે પસાર થાય છે. ડભાણ બ્રીજ પર આજે વહેલી સવારે એક ટામેટા ભરેલ વાહન એકાએક હાઈવે પર પલટી ખાઈ ગયું હતું. જેના કારણે અહીંયા રોડ પર જ ટામેટા ઠલવાયા હતા. આ અકસ્માતની ઘટનામાં વાહન ચાલકનો આબાદ બચાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ હાઈવે પેટ્રોલીંગ ટીમને થતા હાઈવે પેટ્રોલિંગની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. આ બાદ અકસ્માત સ્પોર્ટ કોર્ડન કરી ટ્રાફિકને ડાયવર્ટ કરી હાઈવેને થોડા સમયમાં જ ખુલ્લો કરી દેવાયો હતો. વાહન ચાલકે જણાવ્યું કે, અહીંયાથી પસાર થતા કોઈ વાહને દબાવતા આ ટામેટા ભરેલ વાહન ઉથલી પડ્યું હતું. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી. આ સંદર્ભે હાઈવે પર દોડી આવેલા હાઈવે પેટ્રોલિંગના ટીમના સુપરવાઈઝર ભુપેન્દ્ર ગોહેલે જણાવ્યું કે, અમારી ટીમને વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો. આ ટામેટા ભરેલ વાહન અમદાવાદથી આણંદ તરફ જઈ રહ્યુ હતું ત્યારે ડભણ બ્રીજ પાસે પલટી ખાઈ ગયુ હતુ. કોઈ વાહને દબાવતા ટામેટા ભરેલા વાહનના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો જેથી આ ઘટના બની છે. સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. અમારી ટીમે ક્રેઈન મારફતે ટામેટા ભરેલ વાહનને સિધુ કર્યુ અને થોડા સમય માટે ટ્રાફિક ડાયવર્ટ કર્યો હતો.
નડિયાદનો ડભાણ બ્રિજ બન્યો ટામેટાંમય
By
Posted on