નગરપાલિકાએ 4.50 લાખ રૂપિયાની ભરપાઈ કરતા એજન્સીએ સરદાર પ્રતિમા પાસેની દુકાનોનોથી કામગીરી શરૂ કરી
સ્ટેબિલીટી રીપોર્ટના આધારે દુકાનોને તોડવી કે નહીં? તે અંગે નિર્ણય લેવાશે


નડિયાદ નગરપાલિકા દ્વારા છેલ્લી સામાન્ય સભામાં એક ઠરાવ મંજૂર કરાયો અને ઠરાવની અમલવારી પણ આજે ગુરુવારે શરૂ થઈ ગઈ છે. શહેરમાં નગરપાલિકા હસ્તકની 600 દુકાનોની સ્ટેબિલીટી રીપોર્ટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. પાલિકાએ એજન્સીને 50 ટકા રકમની ભરપાઈ કરી આપતા એજન્સીએ આ રીપોર્ટ બનાવવાનું શરૂ કર્યુ છે અને તે રીપોર્ટ પાલિકાને સુપ્રત કર્યા બાદ રીપોર્ટના આધારે દુકાનોને તોડવી કે કેમ? તે અંગે નિર્ણય લેવાશે.
માહિતી મુજબ નડિયાદ નગરપાલિકા હસ્તકની જુદા-જુદા વિસ્તારમાં 600 ઉપરાંત દુકાનો આવેલી છે. મોટાભાગે વરસાદી પાણીના નિકાલની કાંસ, જળાશયો અને તલાવડીઓ પર જે-તે સમયના સત્તાધીશો દ્વારા બનાવવામાં આવેલી દુકાનો હાલ 60 વર્ષ જૂની થઈ ગઈ છે. તેમજ આ દુકાનો અત્યંત જર્જરીત પણ થઈ ગઈ છે. જેથી આ દુકાનો હાલ તોડવી પડે તેમ છે કે પછી હજુ કોઈ નુકસાન કરે તેમ નથી, તે અંગે નગરપાલિકા દ્વારા તેનો સ્ટેબિલીટી રીપોર્ટ કરવા માટે 1 ઓગસ્ટ, 2024ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી 4 નંબરના એજન્ડામાં શહેરની નગરપાલિકા હસ્તકની દુકાનોનો સ્ટેબિલીટી રીપોર્ટ તૈયાર કરવા 9 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાંથી નગરપાલિકાએ એજન્સીને 4.50 લાખ રૂપિયાનું ચુકવણુ કરતા એજન્સી દ્વારા સ્ટેબીલીટી રીપોર્ટ તૈયાર કરવાનું શરૂ કરી દેવાયુ છે. તેમાંય ખાસ કરીને છેલ્લા પખવાડીયાથી વિવાદના વંટોળે ચઢેલી સરદાર પ્રતિમા પાસેની વરસાદી કાંસ ઉપરની દુકાનોથી જ સ્ટેબીલીટી રીપોર્ટ તૈયાર કરવાનું શરૂ કરાયુ છે. આ બાદ એજન્સી દ્વારા ઉઢેંવાલ તળાવ, મૂળેશ્વર તળાવ, શેરખંડ તળાવ, અમદાવાદી દરવાજા બહાર જુના ઓક્સ્ટ્રોય નાકાની બાજુમાં, રતન તળાવ, નવા બસ સ્ટેન્ડની આગળની દુકાનો અને ગંજ બજારની કેટલીક દુકાનોનો સ્ટેબીલીટી રીપોર્ટ તૈયાર કરવામાં આવશે.આ રીપોર્ટ તૈયાર કર્યા બાદ તેમાં દુકાનોની સ્થિતિ એટલે કે, વર્ષો જૂની આ દુકાનો ટકાઉ છે કે કેમ? તેનો અંદાજ સ્ટેબીલીટી રીપોર્ટમાં આવશે અને તેના આધારે આ દુકાનો તોડવી કે કેમ? તેનો નિર્ણય નડિયાદ નગરપાલિકા લઈ શકશે.
