Charotar

નડિયાદની ખાનગી ફાઇનાન્સ કંપનીને કર્મચારીએ 4.33 લાખનો ચુનો લગાવ્યો

57 લોન ધારકો પાસેથી હપ્તા પેટે ઉઘરાવેલા નાણાં કર્મચારી ચાઉં કરી જતા ફરીયાદ નોંધાઈ..

નડિયાદ પીજ રોડ લાલવાણી કોમ્પ્લેક્ષમાં આવેલ એક ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારીએ 57 જેટલા લોન ધારકો પાસેથી હપ્તા પેટે ઉઘરાવેલા 4.33 લાખ રૂપિયા કંપનીમાં જમા ન કરાવી ઉચાપત કર્યાનું સામે આવ્યુ છે. જે મામલે કંપની દ્વારા આ કર્મચારી સામે ઉચાપતની ફરીયાદ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે નોંધાવાઈ છે.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શ્રેયસ ગરનાળાની ઉપર આવેલા લાલવાણી કોમ્પલેક્ષ સ્થિત એક ખાનગી ફાઈનાન્સ કંપનીની બ્રાન્ચમાં ઉમરેઠના શીલી ગામનો સંજય કિરીટ ચૌહાણ 21 જૂન, 2021થી નોકરી કરતો હતો. તેને ફાઇનાન્સ કંપનીમાંથી ઈચ્છુકોને લોન અપાવવાની સાથે આપેલ લોનના હપ્તાની લોનધારકો પાસેથી ઉઘરાણી કરવાની કામગીરી સોંપાઈ હતી. સંજય ચૌહાણે પોતાની ફરજકાળ દરમિયાન ખાનગી ફાઈનાન્સ કંપનીમાંથી દક્ષાબેન રાવળ, રાધાબેન ગોહેલ, ગીતાબેન ગોહેલ સહિત કુલ 57 જેટલી મહિલાઓ લોન અપાવી હતી. જેમની પાસેથી હપ્તા પેટે 4,33,931 રૂપિયા ઉઘરાવ્યા હતા. જો કે, સંજયે આ રકમ ખાનગી ફાઈનાન્સ કંપનીમાં જમા કરાવી ન હતી. દરમિયાન આ ખાનગી ફાઈનાન્સ કંપનીનું વર્ષ 2023ના મે માસમાં ઓડિટ કરાયું તે દરમિયાન બાકી લોન ધારકોનો આંકડો મોટો હોવાનુ સામે આવ્યું હતું. જેથી ખાનગી ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓએ લોનના બાકીદારોની મુલાકાત લઈ પૂછપરછ કરી હતી. જેમાં લોન ધારકો દ્વારા હપ્તાની રકમ ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારી સંજય ચૌહાણ ચૂકવી આપવામાં આવી હોવાનું જણાવતા સંજય ચૌહાણનો ભાંડો ફૂટી ગયો હતો. જેથી સંજય ચૌહાણને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. નડિયાદ પશ્ચિમ પોલીસે આ અંગે ખાનગી ફાઈનાન્સ કંપનીના સ્ટેટ હેડ રવિરંજન રઘુવંશ તિવારીની ફરિયાદના આધારે સંજય ચૌહાણ વિરુદ્ધ ઉચાપતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top