Charotar

નડિયાદના સોડાકાંડમાં લાલચી શિક્ષક પકડાયો

ઘટસ્ફોટ | શિક્ષકે આત્મહત્યાને કુદરતી મોતમાં ખપાવવા સોડિયમ નાઇટ્રાઇટ મંગાવી મુકબધિર પર અખતરો કર્યો

શિક્ષકે સોડીયમ નાઈટ્રાઈટ પીવડાવ્યા બાદ મૃત્યુનું કારણ જાણવા સિવિલમાં પણ હાજર રહ્યો
(પ્રતિનિધિ) નડિયાદ, તા.4
નડિયાદ જવાહરનગર વિસ્તારમાં સોડાકાંડમાં 3ના મોત મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. હત્યારો બીજો કોઈ નહીં પરંતુ મૃતક મુકબધિરની પાડોશમાં રહેતો એક શિક્ષક હોવાનું ખુલ્યુ છે. પોતે આત્મહત્યા કરવા ઈચ્છતો આ શિક્ષક મૃત્યુમાં ખપાવી પરીવારને વીમાના આર્થિક લાભ મળે તે હેતુથી ઓનલાઈન માધ્યમથી સોડીયમ નાઈટ્રાઈટ મંગાવ્યુ અને તેનો અખતરો કરવા મુકબધિરને પીવડાવ્યુ અને 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
નડિયાદમાં જીરા સોડા પીધા બાદ ત્રણ વ્યક્તિઓની તબીયત લથડી હતી અને ત્રણેયના ગણતરીના સમયમાં જ મોત નિપજ્યા હતા. આ મામલે નડિયાદ ટાઉન પોલીસે જે તે સમયે અપમૃત્યુ અને એ બાદ ગત 27મી ફેબ્રુઆરીના રોજ હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ફરિયાદના ગણતરીના દિવસોમાં જ લોકલ ક્રાઈમ બ્રાંચ અને અન્ય તપાસકર્તા ટીમ દ્વારા હત્યાકાંડ પરથી પડદો ઉચક્યો છે અને સમગ્ર કેસનો પર્દાફાશ કર્યો છે. જેમાં મરણજનાર મૂકબધિર કનુભાઈ ચૌહાણના પાડોશી સરકારી શિક્ષક હરિકિશન મકવાણા દ્વારા આ સમગ્ર કાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી સરકારી શિક્ષકને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારા શિક્ષકે પોતાના આત્મહત્યા માટે એમેઝોન પ્લેટફોર્મ પરથી સોડિયમ નાઇટ્રાઇટ મંગાવ્યું હોવાનુ અને જેના અખતરા રૂપે જીરા સોડાની બોટલમાં ભેળવી પાડોશી મૃતક મૂકબધિરને ટાર્ગેટ કર્યો હતો. જોકે આ મૂકબધિર કનુભાઈ આ બોટલ તેમના અન્ય બે મિત્રોને પણ પીવડાવતા ત્રણેયના મોત નિપજ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, 9 ફેબ્રુઆરીની મોડી સાંજે જવાહરનગર રેલવે ફાટક પાસે ત્રણ વ્યક્તિઓએ જીરા સોડા પીધા બાદ તબિયત લથડી હતી. યોગેશ ગંગારામ કુશવાહ (ઉ.વ.45, રહે.આઈકોન સોસાયટી, SRP કેમ્પની પાછળ, નડિયાદ), કનુભાઈ ધનાભાઇ ચૌહાણ (ઉ.વ.54, રહે.જલારામનગર સોસાયટી, નડિયાદ) અને રવિન્દ્રભાઈ જીણાભાઈ રાઠોડ (ઉ.વ.49, રહે.જવાહરનગર, નડિયાદ) નામના વ્યક્તિઓની તબિયત લથડી આ ત્રણેય વ્યક્તિઓના ગણતરીના સમયમાં મૃત્યુ નિપજ્યાં હતા. આ સનસની હત્યાના બનાવમાં પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો હતો.

પત્નીએ સમજાવ્યુ છતાં હરકિશન ન માન્યો
‘હત્યારાનો આરોપી હરિકિશન મકવાણા છેલ્લા 20 વર્ષથી શિક્ષકની નોકરી કરે છે. થોડા વર્ષો અગાઉ જ તેઓની બદલી ખેડા જિલ્લામાં થયેલી હતી અને હાલ સણાલી પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. પત્ની પણ નોકરી કરે છે. હરિકિશન વિરુદ્ધમાં અગાઉ પાટણમાં કોઈ ગુનો દાખલ થયેલો હતો જે ગુનો હાલ કોર્ટમાં છે. જેને લઇને હરિકિશન પોતે સતત તણાવમાં રહેતા હતા અને આત્મહત્યાના વિચારો આવતા હતા. તો વળી આત્મહત્યા બાદ વિમા કંપનીના નિયમ મુજબ નાણાં મળે નહીં જેથી પરિવાર આર્થિક સંકડામણ આવે, તે વિચારીને હરિકિશને ગત 21 જાન્યુઆરી 2025ના રોજ ઓનલાઇન એમેઝોન પ્લેટફોર્મ પરથી આ સોડિયમ નાઇટ્રાઇટ 500 ગ્રામ મંગાવ્યું હતું. જોકે જેની જાણ આ હરિકિશનના પત્નીને થતા તેમણે આમ ન કરવા પોતાના પતિને સમજાવ્યું હતું અને આ પદાર્થનો નિકાલ કરી દીધો હતો. જોકે આ પહેલા છાની રીતે હરિકીશને સોડિયમ નાઇટ્રાઇટ પદાર્થ થોડો અલગ કાઢી દીધો હતો.’ – રાજેશ ગઢીયા, જિલ્લા પોલીસ વડા, ખેડા.

Most Popular

To Top