અસામાજીક તત્વોની ઉઘરાણીથી ત્રાસી પરિવારે પગલું ભર્યું
નડિયાદ ગ્રામ્ય પોલીસે 20 દિવસે પણ ફરીયાદ ન લેતાં આશ્ચર્ય
નડિયાદના સલુણ ગામના એક પરિવારના 3 સભ્યોએ 6 ફેબ્રુઆરીએ ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે મામલે હજુ સુધી નડિયાદ ગ્રામ્ય પોલીસ 20 દિવસના અંતે ફરિયાદ નોંધવામાં અસમર્થ રહી છે. પીડિત પરિવારે અસામાજીક તત્વોના રૂપિયાની ઉઘરાણીના મામલે ત્રાહીમામ પોકારી જઈ અંતિમ પગલુ ભર્યુ હતુ, પરંતુ સમયસર તેમને નડિયાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા તેમનો જીવ બચી ગયો હતો. રૂપિયાની ઉઘરાણીથી ત્રસ્ત પરીવારે સમગ્ર મામલે પોલીસ સમક્ષ ફરીયાદ કરી કાર્યવાહી કરવાની આજીજી કરી છે, પરંતુ નડિયાદ ગ્રામ્ય પોલીસ હજુ સુધી તેમની ફરીયાદ લેવા તૈયાર ન થતા પીડિત પરીવાર સામે વધુ મુશ્કેલીઓ ઉભી થઈ છે.
નડિયાદના સલુણ ગામમાં ખુસાલપુરામાં રહેતા બાલુબેન રમેશભાઈ તળપદા, રમેશભાઈ સોમાભાઈ તળપદા અને મીનાબેન મનીષભાઈ તળપદાએ નડિયાદના ખાડ વિસ્તારમાં રહેતા અશોકભાઈ શનાભાઈ તળપદા, રાહુલભાઈ અશોકભાઈ તળપદા, ભરતભાઈ ચંદુભાઈ તળપદા અને કમલેશભાઈ ગોરધનભાઈ તળપદા સહિતના ઈસમોના ત્રાસથી 6 ફેબ્રુઆરીએ સામુહિક ઝેરી દવા પી લીધી હતી. પરંતુ તમામને તાત્કાલિક પહેલા નડિયાદ સિવિલ અને ત્યારબાદ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. એક સપ્તાહ સુધી ઝેરી દવા પીનારા આ સભ્યોને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન પીડિત પરીવારે મામલતદાર સમક્ષ નિવેદન નોંધાવ્યુ હતુ, જેમાં ઉપરોક્ત ઈસમોની ગેરકાયદેસરની નાણાંકીય ઉઘરાણીથી ત્રસ્ત થઈ ઝેરી દવા પીધી હોવાનું જણાવ્યુ હતુ. આ અંગે પરીવારના અન્ય સભ્ય દ્વારા સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસને તાત્કાલિક ફરીયાદ દાખલ કરવા માંગ કરી હતી. આટલી ગંભીર બાબત હોવા છતાં નડિયાદ ગ્રામ્ય પોલીસે તે વખતે કાયદેસરની ફરીયાદ નોંધવામાં રસ દાખવ્યો ન હતો અને આરોપીઓને છાવરવામાં આવતા હોય, તે મુજબનું વર્તન ફરીયાદી સાથે જ કર્યુ હતુ. જેથી સમગ્ર મામલે ફરીયાદ અને તેમના પરીવાર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી કાયદેસરની ફરીયાદ નોંધી ઉપરોક્ત ઈસમો દ્વારા કરાતી ખંડણીની જાણ કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી આ મામલે પીડિત પરીવારને પોલીસ પ્રશાસન તરફથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ત્યારે સામાન્ય નાગરીકોની ફરીયાદ ન લેવા મામલે નડિયાદ ટાઉન અને પશ્ચિમમાં પી.આઈ. રહી ચૂકેલા અને હાલના સસ્પેન્ડેડ હરપાલસિંહ ચૌહાણ અને વાય. આર. ચૌહાણ અનેકવાર વિવાદમાં રહ્યા છે. ત્યારે હવે નડિયાદ ગ્રામ્ય પોલીસનું નામ પણ આ યાદીમાં જોડાઈ ગયુ છે અને ઉઘરાણીથી ત્રસ્ત બનેલા એક પરીવારની 20 દિવસથી ફરીયાદ ન નોંધતા હવે ગ્રામ્ય પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. તેમજ પીડિત પરીવારે આગામી 48 કલાકમાં પોતાની ફરીયાદ ન નોંધાય તો કોર્ટમાં પણ જવાની ચિમકી ઉચ્ચારી છે.
ટુંક સમયમાં ફરીયાદ નોંધીશુ : પોલીસ ઇન્સ્પેક્ટર
આ સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે જનકસિંહ દેવડા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, સમગ્ર મામલો ધ્યાનમાં છે. તપાસ ચાલી રહી છે. ટુંક સમયમાં ફરીયાદ નોંધીશું. જો કે, પી.આઈ. દેવડાનો આ જવાબ હાસ્યાસ્પદ લાગી રહ્યો છે. 20 દિવસથી ફરીયાદને ટલ્લે ચઢાવ્યા બાદ હજુ તપાસ કર્યા બાદ ફરીયાદ નોંધીશુ, તેમ જણાવ્યુ છે. ત્યારે ફરીયાદ નોંધ્યા બાદ તપાસ કરવાની હોય છે, તેવા સંજોગોમાં પી.આઈ.નો આ જવાબ આરોપીઓને સમય આપી રક્ષણ કરવાનો હોય તેમ જણાઈ રહ્યો છે.