નડિયાદ ટાઉન અને પશ્ચિમ PIને લીવ રીઝર્વમાં મૂક્યાનું કારણ સામે આવ્યુ
ત્રણ પોલીસ ઈન્સપેક્ટર મિત્રો સાથે દારૂની મહેફીલ માણતા હોવાનો વીડિયો વાયરલ
- વીડિયો વાયરલ થયા બાદ નડિયાદ વિભાગના ડી.વાય.એસ.પી.ને શિસ્તભંગ મામલે તપાસ સોંપાઈ
ખેડા જિલ્લા પોલીસ ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. આ વખતે જિલ્લા હદના પોલીસ મથકોના 3 પોલીસ ઈન્સપેકટર્સનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં બિભત્સ ગાળો સાથે મારામારી થતી જોવા મળી રહી છે, તો સાથે જ જે રૂમમાં મારામારીની ઘટના બની છે, તે રૂમના ટેબલ પર દારૂની બોટલ દેખાઈ રહી છે. જેથી દારૂની મહેફીલમાં પોલીસ અધિકારીઓ દેખાતા ચકચાર મચી છે.
પ્રાપ્ત વિગતો મુજબ 14 ફેબ્રુઆરીના રોજ ખેડા જિલ્લા પોલીસ વડાએ નડિયાદ ટાઉન પોલીસ ઈન્સપેકટર હરપાલસિંહ ચૌહાણ અને નડિયાદ પશ્ચિમ પોલીસ ઈન્સપેક્ટર વાય. આર. ચૌહાણની તત્કાલ બદલી કરી લીવ રીઝર્વમાં મૂક્યા હતા. તે વખતે બંને માનીતા અધિકારીઓ હોવા છતાં લીવ રીઝર્વમાં મૂકાતા જાત-ભાતની ચર્ચાઓએ જોર પકડ્યુ હતુ. પરંતુ હવે આ બદલીઓ પાછળનું મૂળ કારણ સામે આવ્યુ છે. જેમાં આ બંને પોલીસ ઈન્સપેક્ટરની સાથે વડતાલ પોલીસ મથકના પોલીસ ઈન્સપેક્ટર આર. કે. પરમારનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. વાયરલ થયેલા આ વીડિયોમાં ત્રણેય પોલીસ અધિકારીઓ જોવા મળી રહ્યા છે. તો સાથે જ વીડિયોમાં અન્ય કેટલાક તેમના મિત્રો દેખાઈ રહ્યા છે. એક ઓફીસ જેવી રૂમના આ 17 સેકન્ડના વીડિયોમાં મારામારીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, તેમજ બેફામ ગાળાગાળી ચાલી રહી છે. આ વીડિયોમાં ત્રણેય પોલીસ અધિકારીઓ પણ હાજર છે અને તેમાં ભૂમિકા ભજવી રહ્યા છે. તે વીડિયો 13 તારીખે જ જિલ્લા પોલીસ વડા પાસે પહોંચતા 2 પોલીસ ઈન્સપેક્ટરને લીવ રીઝર્વમાં બદલી કરી નાખવામાં આવી હતી. જો કે, આજે વીડિયો વાયરલ થતા ત્રીજા પોલીસ ઈન્સપેક્ટર આર. કે. પરમારને પણ લીવ રીઝર્વમાં મૂકાયા છે. તેમજ એક પ્રેસનોંધ રીલીઝ કરી ખેડા જિલ્લા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે શિસ્ત ભંગના પગલાં લેવા માટે ત્રણેય પોલીસ અધિકારીઓ સામે અને ખાનગી વ્યક્તિઓ સામે નડિયાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિમલ બાજપાઈને તપાસ સોંપવામાં આવી છે. હવે આ સમગ્ર મામલે તપાસ બાદ શું કાર્યવાહી થાય છે, તે જોવુ રહ્યુ.
તપાસ બાદ કાર્યવાહી કરાશેઃ નાયબ પોલીસ અધિક્ષક
આ સમગ્ર મામલે નડિયાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વિમલ બાજપાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આ મામલે આજે જ તપાસ કરવા માટેનો ઓર્ડર મળ્યો છે. જેની તપાસ કર્યા બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.