Charotar

નડિયાદના ડેપ્યુટી ડીડીઓને ડોક્ટર પતિએ ત્રાસ આપ્યો

આણંદના ઉચ્ચ શિક્ષિત દંપતી વચ્ચે ‘પતિ – પત્ની અને વો’નો ખેલ

લગ્નના એકાદ વર્ષ પછી ડોક્ટર પતિનો પરસ્ત્રી સાથેનો ભાંડો ફુટ્યો

(પ્રતિનિધિ) આણંદ તા.31

આણંદના બાકરોલ ગામમાં રહેતાં ઉચ્ચ શિક્ષિત દંપતી વચ્ચે ખટરાગ ઉભો થયો છે. નડિયાદમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ બજાવતાં મહિલા અધિકારીએ તેમના જ ડોક્ટર પતિ સામે સંતાન ન થતાં ત્રાસ આપ્યો હોવાની તથા પર સ્ત્રી સાથે સંબંધ હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકે આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આણંદના બાકરોલ ગામમાં આવેલી લક્સ રીઝેન્સીમાં રહેતાં ક્રિષ્નાબહેન ઉપાધ્યાય હાલ ખેડા જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેઓ ફીઝીયોથેરાપી ડિગ્રી લીધા પછી જીપીએસસીની પરીક્ષા 2017માં પાસ કરી તાલુકા વિકાસ અધિકારી તરીકે આંકલાવમાં નિમાયાં હતાં. આ દરમિયાન તેઓએ નીસીત કિશોરભાઈ સુરતીના પરિચયમાં આવ્યાં હતાં. જેઓ એમબીબીએસ, એમડી ડરમેલોજીસ્ટની ડીગ્રી ધરાવે છે અને હાલ ડોક્ટર તરીકે સત્વા સ્કીન ક્લીનીક આણંદમાં ચલાવી રહ્યાં છે. અલબત્ત, ક્રિષ્નાબહેન અને ડો. નીસીત સુરતી લગ્ન 11મી ફેબ્રુઆરી, 2015ના રોજ બેંગ્લોર ખાતે થયાં હતાં. જે તે સમયે ડો. નીસીતનું મુળ વતન અમદાવાદ હતું અને તેઓ કરમસદ સ્થાયી થયાં હતાં. તેઓ વર્ષ 2009માં અભ્યાસ દરમિયાન પરિચયમાં આવ્યાં હતાં અને લગ્ન કર્યાં હતાં. આ લગ્નના થોડા સમય સારી રીતે ચાલ્યુ હતું. પરંતુ વર્ષ 2016ના માર્ચ મહિનામાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ડો. નીસીતને પ્રેમસંબંધ હોવાનું જાણવા મળતાં ક્રિષ્નાબહેન ચોંકી ગયાં હતાં. તેઓએ આ બાબતે ડો. નીસીતને કહેતા તેમણે લેખીતમાં માફી માંગી હતી. આ ઉપરાંત પરિવારજનોએ સમાધાન કરાવ્યું હતું. પરંતુ ડો. નીસીત કોઇ પણ બહાના કાઢી ઘરમાં ઝઘડો કરવા લાગ્યાં હતાં. તેઓ વારંવાર અપશબ્દ બોલી ત્રાસ આપતાં હતાં. તેઓએ તેમની વિદ્યાર્થિની સાથે વાતચીત ચાલુ રાખી હતી અને કોલેજમાં જતાં મળતાં હતાં. આ બાબતે ફરી ઘરમાં ઝઘડો થયો હતો. આથી, ડો. નીસીત ગુસ્સે થઈ ક્રિષ્નાબહેનનું ગળુ પણ પકડી લીધું હતું. જોકે, બુમાબુમ થતા છોડી દીધું હતું.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ ડો. નીસીતે 8મી માર્ચ, 2020ના રોજ સત્વા સ્કીન ક્લીનીક આણંદમાં શરૂ કર્યું હતુ અને મેડીકલ પ્રેક્ટીસ ચાલુ કરી હતી. તેઓ મહારાષ્ટ્ર (દહાણ) મુકામે વેદાંતા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં પ્રોફેસર તરીકે તથા અન્ય મેડિકલ ઇન્સ્ટીટ્યુટમાં પણ જોડાયાં હતાં. તેઓ આર્ટ ઓફ લીવીંગમાં યોગા શીખવાડવા માટે એસએમએઆઈડી કોલેજ આણંદ જતાં હતાં. પરંતુ ત્યાં પણ તેઓ એક વિદ્યાર્થિની સાથે પ્રેમમાં પડ્યાં હતાં. આ સમયે ક્રિષ્નાબહેન ઉપાધ્યાય અરવલ્લી જિલ્લાના બાયડ મુકામે ફરજ બજાવતાં હતાં. તેઓ નોકરી અર્થે બહાર જતાં તે સમયે ડો. નીસીત તેમની પ્રેમિકાને ઘરે લાવતા હતાં. અચાનક એક દિવસ બેડરૂમમાં લેડીઝ ચીજ વસ્તુઓ મળી આવતાં ભાંડો ફુટ્યો હતો. આ અંગે પુછતાં દંપતી વચ્ચે ફરી ઝઘડો થયો હતો. આ અંગે ખાનગીમાં તપાસ કરી બન્નેને રંગેહાથ પકડી પાડ્યાં હતાં. આથી, ઉશ્કેરાયેલા ડો.નીસીતે અપશબ્દ બોલી મારઝુડ કરી છુટાછેડા આપી દેવા ધમકી આપી હતી. આ ઉપરાંત હાથમાં જે વસ્તુ હોય તે છુટ્ટી મારી દેતાં અને શારીરિક માનસિક ત્રાસ આપતાં હતાં.  સૌથી મહત્વની બાબત છે કે, વર્ષ 2016થી 20242 સુધીમાં ડો. નીસીતએ તેમના પગારના રૂપિયા તથા અન્ય કમાણી અન્ય યુવતીઓ પાછળ વાપરી કાઢ્યાં હતાં. તેમાંય લાંબા દાંપત્ય જીવનમાં સંતાન ન થતાં ડો. નીસિત મ્હેણાં ટોણાં મારી અપમાનિત કરતો હતો અને કહેતો હતો કે, ઉચ્ચ અધિકારીઓ અને કોર્ટમાં ઓળખાણ છે. આ ત્રાસથી કંટાળી ક્રિષ્નાબહેન બાકરોલ ભાડે મકાનમાં રહેવા જતાં રહ્યાં હતાં. જોકે, ડો. નીસીત ડ્રાઇવર મારફતે તેમના પર વોચ રાખતાં હતાં અને નોકરીમાં હાની પહોંચે તેવી કોશિષ કરતાં હતાં. આખરે 21મી ઓક્ટોબર,2024ના રોજ નોટીસ આપી હતી. જેનો પણ ઉડાઉ જવાબ આપ્યો હતો. આ અંગે આણંદ જિલ્લા મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે નીસીત કિશોરભાઈ સુરતી (રહે. કરમસદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top