એક્સપ્રેસ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાયા
(પ્રતિનિધિ) નડિયાદ, તા.4
નડિયાદ નજીકના એક્સપ્રેસ હાઈવે પર ગતમોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટે આવતી કારનુ એકાએક ટાયર ફાટતા આ બનાવ બન્યો હોવાની વિગત મળી છે. આ ઘટનામાં 3 લોકો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતને કારણે એક્સપ્રેસ હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.
નડિયાદ નજીકથી અમદાવાદ-વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. મંગળવારની મોડી રાત્રે આ હાઈવેના બિલોદરા બ્રીજ નજીક એક ગોઝારા અકસ્માત સર્જાયો હતો. જેમાં પસાર થતી કારનુ એકાએક ટાયર ફાટતા આ કાર ડિવાઈડર કુદી રોંગ સાઈડે ઘૂસી હતી અને સામેથી આવી રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ બનાવમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર એક મહિલા સહિત 5 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે બે વ્યક્તિઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
અકસ્માતની જાણ થતાની સાથે જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને પોલીસે મૃતકોની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા છે. સાથે સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિઓના નિવેદન લેવાની કાર્યવાહી આરંભી છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. તમામ મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો..