વડોદરા શહેરના માંડવી મેઇન રોડ પર, નજરબાગ ગેટ પાસે એક મોટું હોડિંગ સ્થાનિકો માટે જોખમરૂપ બની ગયું છે. ખરાબ હાલતમાં લટકતું આ હોડિંગ ભારે પવન કે વરસાદ સમયે ગમે ત્યારે પડી શકે તેવો ખતરો સર્જી રહ્યું છે, જેના કારણે આસપાસના રહેવાસીઓ અને માર્ગગત જનતામાં ભયનો માહોલ ફેલાયો છે. ગતરોજ આવેલા ભારે પવન બાદ શહેરમાં કેટલાક વૃક્ષો પડવાની અને હોર્ડિંગની ફરિયાદો સામે આવી હતી પરંતુ હજુએ કેટલીક જગ્યાએ પાલિકાની ટીમ પહોંચી શકી નથી. તહેવારો અને ચૂંટણીની સિઝન બાદ ઘણા હોડિંગ્સ દૂર કરવામાં આવતા નથી, જે સમય જતાં જર્જરિત થઈ જાય છે. આમ તો પાલિકા દ્વારા હોર્ડિંગ ફ્રી સિટીની વાત કરવામાં આવે છે પરંતુ આવી જ સ્થિતિમાં નજરબાગ ગેટ પાસેનું આ હોડિંગ ભારે જોખમ ઊભું કરી રહ્યું છે. દિવસભર વ્યસ્ત રહેતાં આ માર્ગ પરથી હજારો લોકો પસાર થાય છે, જેમાં વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને પ્રવાસીઓ પણ શામેલ છે. સ્થાનિક નિવાસીઓ અને દુકાનદારોનું કહેવું છે કે, “ ગતરોજ આવેલા ભારે પવન બાદ આ હોર્ડિંગ જોખમી બન્યું છે. જો આ હોડિંગ પડી જાય તો જાનમાલના નુકસાનનો ભય છે.” હવે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આ હોડિંગને હટાવવા માટે પાલિકા અને તંત્રને રજૂઆત કરી છે. તેમણે માંગણી કરી છે કે, આવાં હોડિંગ્સની તાત્કાલિક ચકાસણી થાય અને જોખમરૂપ હોડિંગ્સને હટાવવામાં આવે.
