5 જૂનથી કર્મચારીઓ આંદોલનના શ્રી ગણેશ કરી હડતાલ પર ઉતરશે
અવારનવાર લોલીપોપ આપતા હવે ધીરજ ખૂટી જતા નિર્ણય લેવો પડ્યો : નિલેશ રાજ
( પ્રતિનિધિ )વડોદરા,તા.28
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગ નહીં સંતોષાતા ફરી એક વખત ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા આગામી પાંચમી જૂનથી હડતાલ પર ઉતરવાનું નક્કી કરાયું છે. જે અંગે આજે મુખ્ય કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે અગાઉ અનેક વખત આંદોલન અને હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. જો કે અવારનવાર સત્તાધીશો તરફથી લોલીપોપ આપવામાં આવતા હવે કર્મચારીઓની ધીરજ ખૂટી ગઈ છે. વર્ષ 1992માં 570 જેટલા કર્મચારીઓ ફરજ બજાવતા હતા. જે હાલ ફક્ત 105 કર્મચારીઓ ફરજ બજાવે છે. જ્યારે આગામી ચાર પાંચ વર્ષમાં મોટાભાગના કર્મચારીઓ નિવૃત્ત થઈ જવાના હોય તેને ધ્યાનમાં રાખીને માર્ચ 2024 માં સમાધાન માટે સંઘ દ્વારા વિનંતી પત્ર પણ આપવામાં આવ્યો હતો. લેબરકોટ નો વર્ષ 2019 માં ચુકાદો પણ આવી ગયો અને સમિતિની સભામાં ઠરાવ પણ થઈ ગયો છે. જે બાદ કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ દ્વારા સાત સભ્યોની બનાવેલી કમિટી અને ત્રણેય પક્ષોના વકીલો ની મીટીંગ પણ મળી હતી. જે બાદ શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને અધ્યક્ષે લેખિતમાં બાહેધરી પણ આપી હતી. તેમ છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ કરવામાં નહીં આવતા ફરી એક વખત આંદોલનના માર્ગે જવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે આવેદનપત્ર પાઠવી આગામી તારીખ 4 જૂન સુધી કર્મચારીઓને કાયમી કરવાની કામગીરી આગળ નહીં વધે તો પાંચ જૂનથી હડતાલ પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.