Vadodara

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની અનિશ્ચિત હડતાલ

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ આજે અનિશ્ચિત હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા ઘણા સમયથી તેમની પડતર માંગોને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નિશ્ચિત સમાધાન ન આવતા હવે કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. આ હડતાલમાં નિવૃત થયેલા કેટલાક કર્મચારીઓ પણ જોડાયા છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચોથા વર્ગના કર્મચારીઓ, જેમકે પટાવાળા, સિક્યોરિટી, સફાઈ સેવક, કમઠાણ બાઈ, તેડાગર કર્મી અને ટપાલવાળા સહિતના કર્મચારીઓ કામ કરે છે. વર્ષ 1992માં મંજુર થયેલ મહેકમ મુજબ અહીં 562 કર્મચારીઓની જગ્યા મંજુર છે, પણ હાલમાં માત્ર 150 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેમનામાંથી બે કર્મચારીઓના અવસાન થયા છે અને બાકીના કર્મચારીઓ થોડા સમયમાં નિવૃત્ત થવાના છે.

કર્મચારીઓની મુખ્ય માંગ કાયમી ભરતી અને પેન્શનનો મુદ્દો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં આ જગ્યાઓને ભરવા માટે સમિતિ દ્વારા આઉટસોર્સિંગ પદ્ધતિ અપનાવવાની યોજના છે, જે કર્મચારીઓ માટે અસમાધાનકારક છે.

થોડા દિવસ અગાઉ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ચોથા વર્ગના કર્મચારીઓના અધ્યક્ષને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમને બેઠકમાં બેસાડવામાં ન આવ્યા હોવાનું આરોપ છે. અગાઉ પણ અનેક વાર ચર્ચાઓ થઈ હોવા છતાં, પડતર માંગ સ્વીકારવામાં નથી આવી. સમગ્ર મામલે શાસનાધિકારી શ્વેતા પારગીનએ જણાવ્યું કે, ડેપ્યુટી કમિશનર સાથે ચર્ચા થઈ છે. કાયદાકીય માર્ગદર્શન લઈને આગળના પગલા લેવામાં આવશે. બેઠકમાં ચોથા વર્ગના કર્મીઓને ન બોલાવવામાં મામલે પર્ગીએ જણાવ્યું કે ડેપ્યુટી કમિશનર અગત્યના કામમાં વ્યસ્ત હોવાથી એ શક્ય બન્યું નહીં. હાલ કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

હાલમાં ચોથા વર્ગના કર્મચારીઓનો કાયમી કરવા અને પેન્શન આપવાનો મુદ્દો હાઈકોર્ટમાં છે. તેથી, સરકાર કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ આ મુદ્દા પર ખુલ્લા મત પર ચર્ચા કરી શકતા નથી. સરકાર હડતાલી કર્મચારીઓની માંગ સાંભળશે કે નહિ તેના કરતા વધુ ચર્ચા હાલ આઉટસોર્સિંગ દ્વારા નવી ભરતીની યોજનાની થઈ રહી છે.

Most Popular

To Top