ગુજરાતના રાજકારણમાં એપી સેન્ટર ગણાતું મઘ્ય ગુજરાતના શહેર વડોદરામાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. વડોદરા પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવિન શાળા ભૂમિ પૂજન કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં પાલિકાના હોદ્દેદારોના નામ ન હોવાથી નવો વિવાદ ઉભો થયો છે. આ બાબતની જાણ થતાં જ ફરી રાતોરાત નવી નિમંત્રણ પત્રિકા બનાવવામાં આવી હતી. જેની અસર આજના કાર્યક્રમ પર પડી હતી.
રાજ્ય સરકાર અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો ચાલતી હોય છે. ત્યારે વડોદરા શહેરમાં કોઈપણ નવીન શાળા કે અન્ય કોઈ કામગીરી થતી હોય ત્યારે તે કામગીરી દરમિયાન વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો અવશ્ય ઉપસ્થિત રહેતા હોય છે. આજે શહેરના આજવા વાઘોડિયા રોડ પાસે સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા એકતાનગરના નવીન શાળા ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સિવાય કોઈપણ હોદ્દેદાર ઉપસ્થિત નહોતા.
સૌપ્રથમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિમંત્રણ પત્રિકા બનાવી હતી. જેમાં સાંસદ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદ્દેદારોના નામ હતા. જેમાં સ્થાનિક ધારાસભ્ય અને પાલિકાના કોઈપણ હોદ્દેદારનું નામ ન હતું. આ બાબતની જાણ થતા રાતોરાત નવી ઈ નિમંત્રણ પત્રિકા બનાવી મોકલવામાં આવી હતી, જેની અસર આજના કાર્યક્રમ પર જોવા મળી હતી.
આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષિધ દેસાઈએ જણાવ્યુ હતું કે, આ સ્કૂલ કક્ષાએ પ્રિન્સિપાલ દ્વારા બનાવવામાં આવી હતી, તે પત્રિકા જેટલાં નામ જણાવે તે પ્રમાણે બનાવી મોકલી આપી હતી . તેઓએ તેઓના ક્લસ્ટરમાં મોકલી આપવાની હતી પરંતુ તેની જગ્યાએ થોડું બહાર નીકળી ગયું હતું. ત્યારબાદ એમને જાણ થતાં અમે તેઓને કહ્યું કે આ તમારે નથી મોકલવાની અમે મોકલીએ છીએ.
વધુમા કહ્યું કે, અમારે પ્રિન્ટમાં વાર લાગે કારણ કે બધાના નામ ઉમેરવાના હોય છે. પરીક્ષા સ્કૂલોમાં શરૂ થતી હોવાથી એકદમ કાર્યક્રમ નક્કી થયો હતો. અમે સંગઠનના માણસ છીએ, આવી મિસ્ટેક ન કરીએ. અમે ગઇ કાલે મેસેજ આપ્યો અને બીજાનું શીડ્યુલ અગાઉથી નક્કી હતું અને આ નોર્મલ કાર્યક્રમ હતો તેવુ જણાવી આ વાતને નકારી હતી.
સ્થાયી સમિતિના ચેરમેને ડો . શીતલ મિસ્ત્રી સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યુ હતુ કે, મને આમંત્રણ મળ્યું હતું. પરંતુ હું વ્યસ્તતાના કારણે ગયો ન હતો.
મહત્ત્વની બાબતએ છે કે, દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા વડોદરા શહેરના પાંચે ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યાં ન હતા. જે વિસ્તારમાં આ નવી સ્કૂલ બની રહી છે તે શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા ન હતા. પાછળથી બનેલી નિમંત્રણ પત્રિકામાં પાલિકાના હોદ્દેદારોના નામ હતા જેમાંથી માત્ર ચિરાગ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ફરી એકવાર વડોદરા શહેરમાં રાજનીતિમાં ગરમાવો જોવા મળી રહે છે અને ચર્ચાઓએ જોર પકડ્યું છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી શાળાના ભુમિ પૂજનમાં હોદ્દેદારોની પાંખી હાજરી, એકજ કાર્યક્રમની બે નિમંત્રણ પત્રિકા, એકમાં નામ ગાયબ
By
Posted on