શહેર ભાજપના બે મહાનુભાવોની નિકટના મનાતાઓને ઘી-કેળા..
વડોદરામાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ-ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. સંકલનમાં નક્કી થયેલા નામોનું મેન્ડેટ મેયરે સભામાં ખોલ્યું હતું. અધ્યક્ષ તરીકે શહેર ભાજપ પ્રમુખના ખાસ કહેવાતા નિશીત દેસાઈ અને ઉપાધ્યક્ષ પદે એક નામાંકિત મહાનુભાવના આગ્રહથી અંજના ઠક્કરની વરણી કરવામાં આવી હતી.
રાજકારણની એન્ટ્રીનો મુખ્ય પ્રવેશદ્વાર મનાતી વડોદરા મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બાકીના અઢી વર્ષ માટે અધ્યક્ષ-ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી.જેમાં અધ્યક્ષ તરીકે નિશિત દેસાઈ અને ઉપાધ્યક્ષ પદે અંજના ઠક્કરની વરણી થઈ હતી. સંઘના જીગ્નેશ સોની દ્વારા પોતાનું નામાંકન ભરતા તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે બિનહરીફ જાહેર થતાં પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ મુદ્દે અટકળો પૂરજોશમાં હતી. જેનો ગુરુવારે અંત આવ્યો હતો. શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી. મેયર પિન્કીબેન સોનીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મિનેશ પંડ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહની વિશેષ ઉપસ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના નવા અધ્યક્ષ તરીકે નિશિત દેસાઈ તેમજ ઉપાધ્યક્ષ પદે અંજનાબેન ઠક્કરની નિયુક્તિ કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અઢી વર્ષની ટર્મ બાકી છે તમામ સ્કૂલોને તેમજ વિદ્યાર્થીઓની સંપૂર્ણ જવાબદારીને તકેદારી રાખી આગળની કાર્યવાહી તેઓના હિતમાં કરવામાં આવશે તેવી આશા નવનિયુક્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.