સાબરકાંઠા અને અરવલ્લીના ડૉક્ટરોને અર્શ પ્લાઝાની જગ્યા ભાડે અપાઈ હતી
રાવપુરા અને બાપોદ પોલીસ મથક દ્વારા અલગ-અલગ તપાસના ધમધમાટ
વડોદરા શહેરમાં એક ચોંકાવનારુ કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં નકલી ફાયર NOCના આધારે બિલ્ડિંગોને સુરક્ષા પ્રમાણપત્ર અપાતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અર્શ પ્લાઝા બિલ્ડિંગમાં થયેલી આગ બાદ જ્યારે બિલ્ડિંગના ઈનચાર્જ ફાયર વિભાગ પાસે ઇલેક્ટ્રિક NOC માટે ગયા ત્યારે આ નકલી NOCનું પ્રકરણ બહાર આવ્યું. તપાસ દરમિયાન વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલના ધ્યાન પર આવ્યું કે NOC નકલી છે. તેમણે તરત જ તપાસ શરૂ કરી અને રાવપુરા પોલીસ મથકે અરજી નોંધાવી. બીજી તરફ, બાપોદ પોલીસ મથકે પણ આ મામલે એક અરજી અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. આથી, મામલો વધુ ગંભીર બની ગયો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે બિલ્ડિંગના માલિકે અરવલ્લી સાબરકાંઠાના રહેવાસી ડૉક્ટરોને જગ્યા ભાડે આપી હતી અને ફાયર NOCની જરૂર જણાતાં એક NOCનું સેમ્પલ બતાવી કહ્યું હતું કે આવી NOC આવશે અને 1 લાખ રૂપિયામાં ફાયરનું તમામ કામ થઈ જશે. આ સાથે “શિવાય ફાયર સેફ્ટી સર્વિસીસ”નું નામ પણ બહાર આવ્યું, જોકે તેમના માલિકે સ્પષ્ટતા કરી કે તેઓનો આ મામલે કઈ જાણતા નથી અને જયેશ મકવાણા નામનો વ્યક્તિ તેમની કંપનીમાં કામ કરતો નથી.
હકીકત તો એ છે કે નકલી NOCમાં ભૂતપૂર્વ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર નિકુંજ આઝાદનું નામ અને સહી હતી. તેમણે પણ પોલીસ મથકે અરજી આપી અને પોતાનું નિવેદન નોંધાવ્યું. હાલના ચીફ ઓફિસર સહિત અન્ય સંબંધિત અધિકારીઓના નિવેદન પણ લેવાયા છે. આ સમગ્ર ઘટનાથી એવું લાગી રહ્યું છે કે શહેરમાં નકલી ફાયર NOCનું મોટું રેકેટ ચાલી રહ્યું હોય તેવા સંકેત મળી રહ્યા છે. પોલીસ હવે વિગતવાર તપાસ કરી રહી છે કે જયેશ મકવાણા કોણ છે, તેની શું ભૂમિકા છે અને કેટલાં બિલ્ડિંગોમાં આવી જ નકલી NOC અપાઈ છે. જો યોગ્ય રીતે તપાસ થાય તો શહેરના સુરક્ષા ધોરણો સાથે ચેડાં કરતો મોટો કૌભાંડના ખુલાસો થવાની શક્યતા છે. હાલ રાવપુરા અને બાપોદ પોલીસ મથકો દ્વારા અલગ-અલગ તપાસ ચલાવવામાં આવી રહી છે.