Vadodara

નકલી પોલીસ બની ઠગોએ ડોક્ટર પાસેથી ₹6.10 લાખ પડાવ્યા

ઓનલાઇન સંપર્કમાં આવેલી યુવતીને મળવું ડોક્ટરને ભારે પડ્યું – ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી બેંકમાંથી બળજબરીથી રૂપિયા ઉપડાવ્યા

વડોદરા, તા. 16 માર્ચ
વડોદરા શહેરના વાસણા રોડ પર રહેતા એક તબીબ સાથે ઓનલાઇન સંપર્કમાં આવેલી યુવતીને મળવું ભારે પડ્યું હતું. યુવતી સાથે મળ્યા બાદ નકલી પોલીસ બની આવેલા શખ્સોએ ડોક્ટરને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી તેમની પાસેથી કુલ ₹6.10 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
વાસણા રોડ સ્થિત સનરાઈઝ પાર્ક સોસાયટીમાં રહેતા ડૉ. કેતન વોરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ કૃપાલી પટેલ (રહે. અમદાવાદ) એ વોટ્સએપ મારફતે તેમનો સંપર્ક કર્યો હતો. વાતચીત દરમિયાન વિશ્વાસમાં લઈ તેમને સયાજીપુરા ગામના રોડ પર મળવા બોલાવ્યા હતા.
ડોક્ટર સયાજીપુરા ખાતે પહોંચ્યા બાદ યુવતી તેમને કારમાં બેસાડી હાઈવે નજીક કેનાલ પાસે લઈ ગઈ હતી. ત્યાં અન્ય કારમાં ત્રણથી ચાર શખ્સો આવી પહોંચ્યા હતા.
આરોપીઓએ પોતાને પોલીસ તરીકે ઓળખ આપી જણાવ્યું કે યુવતી ડ્રગ્સ ડીલિંગમાં સંડોવાયેલી છે અને તમે પણ તેમાં સામેલ છો. ત્યારબાદ ડોક્ટરને માર મારી કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
આરોપીઓએ કેસમાંથી છૂટકારો અપાવવા માટે ₹5 લાખ અધિકારીને અને ₹30 હજાર પોતાને આપવા પડશે તેવી માંગણી કરી હતી. ડરના માહોલમાં ડોક્ટર રૂપિયા આપવા તૈયાર થયા હતા.આરોપીઓ ડોક્ટરને સાથે લઈને અલકાપુરી સ્થિત યુનિટી બેંકમાં ગયા હતા. મેનેજરે ચેક વગર રકમ આપવાની ના પાડતા તેઓ ડોક્ટરને ઘરે લઈ જઈ ચેક મંગાવી ફરી બેંકમાં આવી ₹6 લાખ ઉપડાવી લીધા હતા. ઉપરાંત ઓનલાઇન મારફતે વધુ ₹ 10 હજાર પણ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા.
આ રીતે આરોપીઓએ ભેગા મળી ડોક્ટર પાસેથી કુલ ₹6.10 લાખ બળજબરીથી પડાવી લીધા હતા અને ત્યારબાદ તેમને છોડીને ફરાર થઈ ગયા હતા.
બાદમાં વધુ રૂપિયા ઉઘરાવવા માટે આ ગેંગ ડોક્ટરના આંકલાવ સ્થિત ઘરે પહોંચી હતી અને “કૃપાલી પટેલે આત્મહત્યા કરી છે” એવી ખોટી વાત કરી ડરાવી ધમકાવી કોરા કાગળ પર સહી કરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડોક્ટરે કોઈ સહી કરી નહોતી.
આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં મહિલા સહિત મહાદેવ, પ્રકાશ પટેલ તથા અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.

Most Popular

To Top