સાકરીયા રોડ પર ખુલ્લામાં તથા ન્યુ અલ્કાપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં જુગાર ચાલતા હતા
પ્રતિનિધિ . વડોદરા તા. 9
નંદસરી તથા લક્ષ્મીપુરા પોલીસે ચાલી રહેલા શ્રાવણિયા જુગાર પર રેડ કરીને 12 જેટલા ખેલીઓને ઝડપી પાડ્યાં હતા. પોલીસે રોકડ રકમ અને ચાર જેટલા મોબાઇલ મળી રૂ. 56 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા શહેરમાં વિવિધ જગ્યા પર ભેગા મળીને શ્રાવણીયો જુગાર રમાઈ રહ્યો છે. પોલીસ દ્વારા આવા ગેરકાયદે ચાલતા જુગાર પર સતત કાર્યવાહી કરવા માટે પેટ્રોલિંગ કરવામાં આવતુ હોય છે. નંદેસરી પોલીસ 8 ઓગષ્ટના રોજ પેટ્રોલિંગમાં ફરી રહી હતી, ત્યારે બાતમી મળી હતી કે સાંકરીયા રોડવાળા ફળીયામાં જુગાર ચાલી રહ્યો છે. જેના આધારે નંદેસરી પોલીસે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. પોલીસને જોઈને જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં આઠ જેટલા ખેલી વિજય સોમા ગોહીલ, હર્ષદ રણછોડ ગોહીલ, યોગેશ ગોરધન ગોહીલ, મિતરાજસિંહ અમીતસિંહ વિરપરા, ભરત મગન ગોહીલ,ચિરાગઈ હઠીસિંહ ગોહીલ, ઉપેન્દ્ર ગણપત ગોહીલ, રાકેશ શંકર ગોહીલ ઝડપાઇ ગયા હતા. પોલીસ દ્વારા જુગારી અંગજડતી કરતા તથા દાવના રોકડા રૂપિયા મળી રૂ. 10 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેવી જ રીતે લક્ષ્મીપુરા પોલીસે ન્યુ અલકાપુરી ચોકી વિસ્તારમાં આવેલી હોટલમાં ચોથા માળે આવેલા રૂમ નં-407માં રેડ કરી હતી. જેમાં પાંચ ખેલી જયેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી, મિતેશ હર્ષદ જોશી, દિલ શેરખાન મલ્લુખાન મલેક, રોનક વિષ્ણુ બારોટ અને કિરણ રાજેશ ચૌહાણ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમની અંગજડતી કરતા તથા દાવ પર લાગેલી રોકડ રકમ મળી તેમજ ચાર મોબાઇલ મળી રૂપિયા 46 હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.