વડોદરા કલેક્ટર કચેરી કર્મચારીઓના સૂત્રોચ્ચારથી ગુંજી, લખન દરબારની આગેવાનીમાં આવેદન પત્ર પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી
વડોદરા: શહેરના ઔદ્યોગિક હબ ગણાતા નંદેસરી જીઆઇડીસી વિસ્તારમાંથી કર્મચારીઓના શોષણનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નંદેસરીમાં આવેલી જાણીતી ‘ઓરિએન્ટલ કંપની’ દ્વારા કોઈપણ જાતની પૂર્વ સૂચના કે યોગ્ય કારણ વગર એકસાથે 27 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવતા ભારે હોબાળો મચ્યો છે. વર્ષોથી પરસેવો પાડીને કંપનીને સીંચનારા આ કર્મચારીઓને અચાનક “પાણીચું” પકડાવી દેવાતા અનેક પરિવારોની રોજીરોટી પર સંકટના વાદળો છવાયા છે. મળતી માહિતી મુજબ, કંપની તંત્ર દ્વારા લેવાયેલા આ મનસ્વી નિર્ણયને પગલે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમને કોઈ પણ નોટિસ આપ્યા વિના કે સાંભળ્યા વિના ગેરકાયદેસર રીતે છૂટા કરી દેવાયા છે. સામાન્ય રીતે નંદેસરી વિસ્તાર પ્રદૂષણને લઈને વિવાદોમાં રહેતો હોય છે, પરંતુ આ વખતે મામલો કર્મચારીઓના હક અને અધિકારનો બન્યો છે. પોતાના હક માટે લડત આપવા આજે મોટી સંખ્યામાં પીડિત કર્મચારીઓ સામાજિક કાર્યકર લખન દરબારની આગેવાનીમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. કલેક્ટર કચેરીનું પ્રાંગણ કર્મચારીઓના જોરદાર સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. કર્મચારીઓએ કંપની તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જિલ્લા કલેક્ટરને લેખિત આવેદન પત્ર પાઠવી તાત્કાલિક ન્યાયની માંગ કરી હતી.
આ પ્રસંગે સામાજિક કાર્યકર લખન દરબારે પ્રસાર માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “કંપની દ્વારા મનસ્વી રીતે ગરીબ કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે, જે તદ્દન ગેરબંધારણીય છે. અમે કલેક્ટર શ્રીને રજૂઆત કરી છે કે આ નિર્દોષ કર્મચારીઓનો વાંક શું છે ? જો આ 27 પરિવારોને તેમનો રોજગાર પાછો નહીં મળે અને ન્યાય નહીં અપાય, તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે.”
હવે સૌની નજર જિલ્લા પ્રશાસન અને શ્રમ વિભાગ પર છે કે તેઓ આ મામલે કંપની વિરુદ્ધ કેવા પગલાં ભરે છે.
- :- 27 પરિવારોના ચૂલા બુઝાયા.!
નંદેસરીની ઓરિએન્ટલ કંપનીનો આ નિર્ણય માનવતા અને કાયદા બંનેની દ્રષ્ટિએ સવાલોના ઘેરામાં છે. એક તરફ સરકાર રોજગારી વધારવાની વાતો કરે છે, ત્યારે બીજી તરફ ઉદ્યોગોમાં થતી આવી ‘મનસ્વી છટણી’ કર્મચારી વર્ગને પાયમાલ કરી રહી છે. શું તંત્ર આ ગરીબ પરિવારોના હક માટે મક્કમતા બતાવશે કે પછી ઉદ્યોગપતિઓના પ્રભાવ હેઠળ આ મામલો દબાઈ જશે ? તે જોવું રહ્યું.