વનવિભાગને પાંજરું મૂકવાની માંગ, રાત્રિના સમયે ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા
વડોદરા:
વડોદરા જિલ્લાના નંદેસરી નજીક આવેલા ગોહિલપુરા ગામમાં દીપડો દેખાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગામની સીમ વિસ્તારમાં દીપડો નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતા વનવિભાગને તાત્કાલિક માહિતી આપવામાં આવી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, ખાસ કરીને રાત્રિના સમયે પશુપાલકો અને ખેડૂતો ખેતર અથવા વાડીએ જતાં ભારે ગભરાટ અનુભવાઈ રહ્યો છે. વન્યપ્રાણીની હાજરીને કારણે જાનમાલને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગામના બાળકો અને વૃદ્ધોને લઈને પણ લોકો ચિંતિત બન્યા છે.
આ બાબતે વનવિભાગને જાણ કરવામાં આવતા વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. વનવિભાગના કર્મચારીઓ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ગ્રામજનો અને ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે સંભવિત દુર્ઘટના ટાળવા માટે વનવિભાગ તાત્કાલિક ધોરણે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવે અને યોગ્ય કાર્યવાહી કરે. હાલ સ્થિતિને ધ્યાનમાં રાખી ગ્રામજનો સાવચેત રહે તેવી અપીલ પણ કરવામાં આવી છે.