Vadodara

નંદેસરીના ગુમ થયેલા યુવકે વીડિયોમાં પત્ની અને પોલીસ પર આક્ષેપો કર્યા

*પત્ની તથા તેના ઘરવાળા અને અન્યના ત્રાસથી એક પુત્રીનો પિતા ગુમ થતાં ચકચાર*

*નંદેસરીના ગુમ યુવકનો વિડિયો વાયરલ થયો જેમાં પત્ની તથા તેનો પરિવાર, નંદેસરી પોલીસના કેટલાક પોલીસ કર્મીઓ તથા પત્રકાર સહિત 12 લોકો સામે આક્ષેપ*

*વિધવા વૃદ્ધ માતાએ પોતાના પુત્રના ગુમ થવાની પોલીસ ફરિયાદ નોંધાવી*



( પ્રતિનિધિ) વડોદરા તા. 17

નંદેસરી વિસ્તારમાં આવેલા શિવાજી નગરમાં રહેતા વિધવા વૃદ્ધ માતાએ પોતાના દીકરાના ગુમ થવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે .આ બનાવમાં ગુમ પરણિત અને એક દીકરીના પિતાનો સોશિયલ વિડિયો સામે આવ્યો છે. જેમાં તેણે પત્ની તેના પરિવાર તથા નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર કેટલાક પોલીસ કર્મીઓ તથા પત્રકાર પર ગંભીર આક્ષેપો કરતા સમગ્ર મામલે ચકચાર મચી જવા પામી છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના નંદેસરી વિસ્તારમાં આવેલા શિવાજી નગરમાં રહેતા આશરે 67 વર્ષીય રેખાબેન છત્રસિંહ સિંધાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં તા.16-06-2025ના રોજ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ પોતાના 40 વર્ષીય પુત્ર રાજવીર સિંહ ઉર્ફે લવો સિંધા તથા 14 વર્ષીય પૌત્રી પ્રાચી સાથે રહેતા હતા. તેમના પતિનું 28 વર્ષ પૂર્વે નિધન થયું છે. ગત તા.06-06-2025ના રોજ ઘરના સભ્યો રાત્રે નવેક વાગ્યે જમી પરવારી ને સુઈ ગયા હતા. જેમાં રાજવીર સિંહ ઉર્ફે લવો છત્રસિંહ સિંધા પણ જમીને સુઈ ગયો હતો. પરંતુ બીજા દિવસે એટલે કે તા.07-06-2025 ના રોજ સવારે 6 કલાકે રેખાબેને જોતાં તેમનો પુત્ર રાજવીર સિંહ પથારીમાં જણાઇ આવ્યો ન હતો. જેથી વૃદ્ધ માતાએ ઘરમાં તેમજ આસપાસ તપાસ કરી હતી પરંતુ પુત્ર ન મળતાં તેમણે પૌત્રીને પિતા વિષે પૂછપરછ કરતાં પૌત્રીને પણ કંઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું. પુત્રના મોબાઇલ ફોન પર ફોન કરતાં તેનો ફોન પણ સ્વિચ ઓફ આવતા વૃદ્ધ માતાએ સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી પરંતુ પુત્રનો આજદિન સુધી કોઇ પત્તો ન લાગતા માતાએ પોતાના પુત્રના વર્ણન અને જરૂરી માહિતી,ફોટો સાથે તેના ગુમ થવાની અરજી પોલીસ સ્ટેશનમાં આપી હતી. બીજી તરફ ગુમ થયેલા રાજવીર સિંહના સોશિયલ મીડિયા પર વિડિયો સામે આવ્યા છે. જેમાં તેમણે પોતાના પત્ની અને તેના પરિવાર સહિત અન્ય 12 જેટલા શખ્સો, જેમાં નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર તથા પત્રકાર સહિતના લોકો સામે ગંભીર આક્ષેપો કર્યા છે તથા જે રીતે પોતાને પત્ની અને તેનો પરિવાર કેટલાક નંદેસરીના પોલીસ કર્મીઓ તથા પત્રકાર સાથે મળીને પ્રતાડિત કરી રહ્યા હોવાની વાતો કરતા સમગ્ર મામલે ખળભળાટ મચી જવા પામ્યો છે.

વાયરલ વિડિયોમા ગુમ થયેલ યુવક કેટલાક ઇસમોના નામો જણાવી ગંભીર આક્ષેપો સાથે પોતાની દીકરીને કેવી રીતે લઇ જાય છે તેની વાત કરી રહેલ જણાય છે. જો કે આ વાયરલ વિડિયો ક્યારનો અને ક્યાં બનાવ્યો છે તે અંગેની પુષ્ટિ અમે નથી કરતા પરંતુ આ સોશિયલ વિડીયો સામે આવતા આજના લગ્નજીવન પર સવાલો ઉભા કરે છે

Most Popular

To Top