11મીએ પ્રોવિઝનલ મેરિટ બાદ 24 મે વચ્ચે મોક રાઉન્ડ અને 22 મેએ ફાઈનલ પ્રવેશ ફાળવણી
ITI કે સર્ટિફિકેટ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને સીધા ડિપ્લોમા ઇજનેરીમાં બીજા વર્ષમાં પ્રવેશ ફાળવવામાં આવે છે
( પ્રતિનિધિ )વડોદરા,તા.9
ધો-10 પછી આઇટીઆઇ કે અન્ય બે વર્ષના કોર્સ કરનારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા અંતર્ગત સીધા ડિપ્લોમા ઇજનેરીમાં બીજા વર્ષમાં પ્રવેશ ફાળવવામાં આવે છે. આગામી 17મીથી 30મી એપ્રિલ સુધી આ પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાશે. પ્રવેશ રાઉન્ડમાં પ્રવેશની ફાળવણી 22 મી મેના રોજ કરાશે. ડિપ્લોમાની 10 ટકા અને અગાઉ ખાલી પડેલી બેઠકો મળીને હાલમાં અંદાજે 35 હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ છે.
ધો-10 પછી ડાયરેક્ટ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશની સાથે સાથે કેટલાક વિદ્યાર્થીઓ ધો-10 પછી ડિપ્લોમા કરવાના બદલે આઈટીઆઈમાં પ્રવેશ લેવાનું પસંદ કરે છે. આ ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓ ટેકનિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવતાં સર્ટિફિકેટ કોર્સમાં પણ પ્રવેશ મેળવતા હોય છે. આ કોર્સ કર્યા પછી સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા પ્રક્રિયામાં અંતર્ગત સીધા ડિપ્લોમા ઇજનેરીમાં બીજા વર્ષમાં પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ સમિતિ દ્વારા 17મી એપ્રિલથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. આ સાથે જ પ્રવેશનો કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવ્યો છે. સૂત્રો કહે છે કે, નિયમ પ્રમાણે ડિપ્લોમા ઇજનેરીમાં જે તે કોલેજમાં બેઠકો ઉપલબ્ધ હોય તેની 10 ટકા બેઠકો સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા પ્રવેશ કાર્યવાહી માટે ફાળવવામાં આવતી હોય છે. જોકે, કોલેજ સંચાલકો દ્વારા બેઠકોના મુદ્દે કોર્ટમાં રિટ કરવામાં આવ્યા બાદ ડિપ્લોમા ઇજનેરીમાં ખાલી પડેલી બેઠકો પણ સર્ટિફિકેટ ટુ ડિપ્લોમાને ફાળવાતી હોય છે. આમ, હાલમાં અંદાજે 35 હજારથી વધુ બેઠકો ઉપલબ્ધ છે. ખરેખર કેટલી બેઠકો ચાલુ વર્ષે સર્ટિફિકેટ ટુ ડિપ્લોમા ઇજનેરીમાં મળશે તેનો આંકડો આગામી દિવસોમાં સીટમેટ્રિક્સમાં જાહેર કરાશે.