Education

ધો. 1થી 5 માટે 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત

15 થી 24 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી, D.El.Ed. અંતિમ વર્ષના ઉમેદવારોને પણ તક
(પ્રતિનિધિ) વડોદરા, તા. 1
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખામી દૂર કરવા માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માટે કુલ 11,000 વિદ્યાસહાયકોની સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી જિલ્લા તથા નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ માટે કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ, ઉમેદવારો 15 એપ્રિલ, 2026 સવારે 12:00 વાગ્યાથી 24 એપ્રિલ, 2026 બપોરે 3:00 વાગ્યા સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવારોને સત્તાવાર પોર્ટલ પર જઈ નોંધણી કરવાની રહેશે.
ભરતી પ્રક્રિયામાં કુલ જગ્યાઓમાંથી 4 ટકા જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. સાથે જ D.El.Ed.ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા અને TET-1 પાસ ઉમેદવારોને પણ શરતી ધોરણે અરજી કરવાની તક આપવામાં આવી છે.
હાલમાં જિલ્લાફેર બદલી કેમ્પની પ્રક્રિયા ચાલુ હોવાથી, તે પૂર્ણ થયા બાદ જિલ્લાવાર ખાલી જગ્યાઓની વિગત વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને અરજી કરતા પહેલાં તમામ સૂચનાઓ અને લાયકાતના ધોરણો ધ્યાનપૂર્વક વાંચવાની સૂચના આપવામાં આવી છે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ ઘટાડવામાં મદદ મળશે તેમજ હજારો શિક્ષિત બેરોજગાર યુવાનો માટે રોજગારના નવા અવસર ઊભા થશે.

Most Popular

To Top