બાકરોલ ગામે રંગ લગાવવાના મુદ્દે ઝઘડો, એક ઈજાગ્રસ્ત
કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી
કાલોલ, તા.10: કાલોલ તાલુકાના બાકરોલ ગામે ધુળેટી રમવા બાબતે થયેલા વિવાદમાં એક વ્યક્તિ પર લાકડી વડે હુમલો થતાં તેને ઈજા પહોંચી હતી. બનાવ અંગે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ બાકરોલ ગામના બેંકવાળા ફળિયામાં રહેતા દિલીપભાઈ નાનાભાઈ રાવળે કાલોલ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત 4 માર્ચના રોજ સાંજના સમયે તેઓ શાકભાજી લઈને ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન તેમના ઘરની પાછળ રહેતા સંજયભાઈ મેલાભાઈ રાવળ તેમની પાસે આવ્યા અને તેમને સાથે ધુળેટી રમવા આવવા જણાવ્યું હતું.
દિલીપભાઈએ ધુળેટી રમવાનું પસંદ નથી તેમ કહીને ના પાડતા સંજયભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે દિલીપભાઈને પકડીને મોઢા પર રંગ લગાવ્યો હતો અને જમીન પર પાડી દીધા બાદ હાથમાં રહેલી લાકડી વડે તેમના હાથ, પગ તથા બરડાના ભાગે માર માર્યો હતો.
આ દરમિયાન દિલીપભાઈની પત્ની ઘટનાસ્થળે પહોંચી જતા તેમણે વચ્ચે પડી તેમને છોડાવ્યા હતા. ત્યારબાદ દિલીપભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા