Sukhsar

ધારીમાં સિંહણનો હુમલો: સુખસરના પાંચ વર્ષના બાળકનું મોત

માતા સામે રમતા બાળકને સિંહણ ખેંચી ગઈ; ગ્રામજનો દોડી આવતા પાંજરું મૂકી સિંહણ પકડાઈ
(પ્રતિનિધિ) સુખસર, તા.11
દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના ઘાણીખૂટ ગામના પાંચ વર્ષીય માસુમ બાળકને અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મણાવા ગામે સિંહણે ફાડી ખાધાની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. મંગળવાર સાંજે માતા સાથે બેઠેલા બાળક પર અચાનક સિંહણે હુમલો કરીને તેને બાજરીના ખેતરમાં ખેંચી લઈ જતાં તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સુખસર તાલુકાના ઘાણીખૂટ ગામના ઈશ્વરભાઈ રામાભાઈ કટારા પરિવાર સાથે રોજગારી માટે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મણાવા ગામે આવ્યા હતા. તેઓ અહીં રામકુભાઈ વલકુભાઈ વાળાની ખેતીમાં ભાગીયા તરીકે રહી ખેતી કામ કરતા હતા અને પત્ની દીપિકાબેન તથા બાળકો સાથે ખેતરની વાડીમાં આવેલી ઓરડીમાં રહેતા હતા.
મંગળવાર સાંજે લગભગ સાત વાગ્યાના અરસામાં દીપિકાબેન પોતાના પાંચ વર્ષના પુત્ર ધવલભાઈ સાથે ઓરડી નજીક ચણાનો ઓળો શેકી રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી આવેલી સિંહણે ધવલભાઈને થાપામાં બચકું ભરી બાજરીના ખેતરમાં ખેંચી લઈ ગઈ હતી.
માતા સામે જ બાળક પર હુમલો થતા દીપિકાબેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગ્રામજનોના હોબાળા બાદ સિંહણ બાળકને છોડી ખેતરમાંથી ભાગી ગઈ હતી. પરંતુ શરીરે ઠેકઠેકાણે ગંભીર બચકા લાગવાથી બાળકનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ જંગલ વિભાગના અધિકારીઓ અને ચલાળા પોલીસ સ્થળ પર પહોંચી હતી. બાદમાં સિંહણને પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું હતું અને સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મળી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ આ વિસ્તારમાં ખેત મજૂરના એક બાળક પર જંગલી હિંસક પ્રાણીના હુમલાથી મોત નીપજ્યું હતું. સતત આવી ઘટનાઓને પગલે ખેત મજૂરો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ મામલે મૃતક બાળકના પિતા ઈશ્વરભાઈ રામાભાઈ કટારાએ ચલાળા પોલીસ સ્ટેશન અને ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

રિપોર્ટર: બાબુભાઈ સોલંકી

Most Popular

To Top