ખેડા જિલ્લાના ભલાડા ગામે સ્ટેટ વિજિલન્સનો મોટો દરોડો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે માતરના ધારાસભ્યના હોમટાઉન ભલાડામાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર વિજિલન્સની ટીમ ત્રાટકી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.5
ખેડા જિલ્લાના માતર તાલુકાના ભલાડા ગામે હરસિધ્ધી ફળિયા નજીક આવેલા ખુલ્લા ખેતરમાં સ્ટેટ વિજિલન્સની ટીમે ઓચિંતા દરોડા પાડી મોટા પાયે ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી મુખ્ય સંચાલક રાજેશ ઉર્ફે લાલો ગુલાબભાઈ પરમાર સહિત કુલ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા શખ્સો પાસેથી રોકડ રકમ, લક્ઝુરિયસ કાર અને મોબાઈલ ફોન મળી કુલ 22,36,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીંબાસી પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ખાનગી બાતમી મળી હતી કે માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા રાજેશ ઉર્ફે લાલો દ્વારા ભલાડા ગામની સીમમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવે છે. બાતમીના આધારે પોલીસે તા. 4/4/2026ના રોજ સાંજે 17:40 કલાકે ખેતરમાં કોર્ડન કરી રેઈડ કરી હતી. પોલીસને જોઈને કેટલાક જુગારીઓએ નાસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમે 16 શખ્સોને રંગેહાથ પકડી પાડ્યા હતા. તપાસ દરમિયાન સ્થળ પરથી અંદર-બહારનો જુગાર રમતા ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના જુગારીઓ મળી આવ્યા હતા, જેમના કબજામાંથી રોકડા 3,20,650 રૂપિયા મળી આવ્યા હતા. મુદ્દામાલની વિગતો જોતા પોલીસે 18,00,000 રૂપિયાની કિંમતની 3 ફોર વ્હીલર ગાડીઓ કબજે કરી છે. જેમાં અર્ટીગા કાર જે.જે.06 પી.એમ. 7315, ગ્રાન્ડ વિટારા જી.જે.23 સી.એફ. 2271 અને વેગેનાર જી.જે.23 સી.સી. 2708નો સમાવેશ થાય છે. આ ઉપરાંત 25,000 રૂપિયાની કિંમતનું એક સ્પ્લેન્ડર મોટરસાયકલ અને 14 મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. ઘટનાસ્થળેથી ગંજીપાનાના પેકેટ, ચટાઈ, તાડપત્રી અને પાણીનો જગ જેવી વસ્તુઓ પણ પોલીસે તપાસ અર્થે કબજે લીધી છે.
આ હાઈપ્રોફાઈલ દરોડાને પગલે સ્થાનિક રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે, કારણ કે મુખ્ય આરોપી રાજેશ પરમાર લાંબા સમયથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવતો હતો અને તેની સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે. રાજ્યમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે સત્તાધારી પક્ષના ધારાસભ્યના નજીકના સંબંધી સામે થયેલી આ કડક કાર્યવાહીથી વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્કો શરૂ થયા છે. ધારાસભ્ય કલ્પેશ પરમારે આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કર્યો છે, જેને લઈને પણ પ્રજામાં ભારે ચર્ચા જાગી છે.
16 આરોપીઓની યાદી
(1) રાજેશકુમાર ઉર્ફે લાલો ગુલાબભાઇ પરમાર – ભલાડા (2) મયુરભાઇ વિષ્ણુભાઇ સાધુ – સયલા (3) એઝાઝ ઉર્ફે જાડીયો ગુલામહુશેન મલીક – ખંભાત (4) મહમદ શાબીર શાકીર હુશેન મલેક – ખંભાત (5) બુધાભાઈ ખોડાભાઈ ઝીજરવાડીયા – નવાખલ (6) ગજેન્દ્રસિંહ ભાવસિંહ રાજ – અડાસ (7) મહેશભાઈ ઉર્ફે જગદીશભાઇ સોમાભાઇ રાવલ – માંજલપુર (8) દક્ષેશભાઈ મનુભાઈ પંચાલ – રણોલી (9) મુખત્યાર હસનભાઇ પઠાણ – વડોદરા (10) મનોજભાઈ રમેશભાઇ કોટવાલ – ફાજલપુર (11) મિતેશ ઉર્ફે લાલો રમણલાલ અગ્રવાલ – વડોદરા (12) હરીશભાઈ રાઘવનભાઈ કારકીલ – ગોરવા (13) ગીરીશકુમાર લક્ષ્મણભાઇ સથવારા – ગોરવા (14) ખાલીદ ઐયુબ પટેલ – વડોદરા (15) દયાશંકર ઇન્દ્રાસન શર્મા – ગોરવા (16) ઘનશ્યામભાઈ કનુભાઇ ગોહીલ – નંદેસરી
ધારાસભ્યની ભલામણ અને પોલીસની રહેમનજરના આક્ષેપો
ભલાડામાં ચાલતું આ જુગારધામ અગાઉ પણ અનેકવાર વિવાદમાં આવ્યું હતું. ચર્ચા મુજબ ખેડા જિલ્લાની પોલીસની રહેમ નજર હેઠળ અને ધારાસભ્યની ભલામણથી આપવામાં આવેલા પીળા પરવાનાને કારણે અત્યાર સુધી અહીં કોઈ કાર્યવાહી થતી નહોતી. સ્થાનિક સ્તરે અવારનવાર રજૂઆતો થવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હતું, જેના કારણે સંચાલકો નિર્ભય બનીને આ અડ્ડો ચલાવતા હતા.
માતરના આંતરીક રાજકારણમાં ખટરાગ બાદ કાર્યવાહીની બૂ
માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશ પરમાર અત્યાર સુધી માતર ભાજપના એક નેતાના ઈશારે કામગીરી કરતા હોવાની રાજકીય આલમમાં ચર્ચાઓ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે ગજગ્રાહ શરૂ થયો હતો અને આ મામલો ખેડા લોકસભાના ટોચના નેતા સુધી પહોંચ્યો હતો. રાજકીય મોરચે લીલી ઝંડી મળ્યા બાદ જ સ્ટેટ વિજિલન્સે આ કાર્યવાહી કરી હોવાની બૂ ઉઠી છે, જેનાથી આગામી સમયમાં પક્ષમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે.
ત્રણ દિવસથી વિજિલન્સે અડ્ડો જમાવ્યો હતો
સૂત્રોના જણાવ્યા અનુસાર આ મોટા દરોડા પૂર્વે સ્ટેટ વિજિલન્સની ટીમે છેલ્લા ત્રણ દિવસથી ભલાડા અને આસપાસના વિસ્તારોમાં ગુપ્ત રીતે અડ્ડો જમાવ્યો હતો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ ગુપ્ત વોચ બાદ જ્યારે ચોક્કસ ખાતરી થઈ કે મોટા પ્રમાણમાં જુગાર રમાઈ રહ્યો છે, ત્યારે જ શનિવારે સાંજે ઓચિંતો દરોડો પાડીને સફળતા મેળવી હતી.