અધિકારીઓની મનમાની અંગે પાંચ ધારાસભ્યોના પત્રથી પછી સાંસદે કહ્યું, સંકલન થાય જ છે
વડોદરા: રાજ્યમાં અધિકારી રાજ ચાલી રહ્યું હોવાના અને લોકપ્રતિનિધિઓની વાત સાંભળવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ગંભીર મામલે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે અધિકારીઓ તો બધાંનું સાંભળે છે અને સંકલન થાય જ છે. જોકે તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ આ બાબતથી હાલ પૂરતા અજાણ છે અને સમગ્ર વિષયનો અભ્યાસ કર્યા બાદ જ કોઈ નિશ્ચિત જવાબ આપી શકશે.
ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યોએ સામૂહિક રીતે રજૂઆત કરી છે કે વહીવટી તંત્રમાં અધિકારીઓનું વર્ચસ્વ વધી રહ્યું છે. ધારાસભ્યોએ પત્રમાં આક્ષેપ કર્યો છે કે જનતાના કામો માટે જ્યારે તેઓ રજૂઆત કરે છે, ત્યારે અધિકારીઓ યોગ્ય પ્રતિસાદ આપતા નથી, જેના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી, પરંતુ ફરી એકવાર આ મુદ્દો સીએમ સુધી પહોંચાડવામાં આવ્યો છે.
આ મામલે સાંસદ ડો. હેમાંગ જોશીએ જણાવ્યું કે, “આ વિષય મારા ધ્યાન પર મીડિયાના માધ્યમથી આવ્યો છે. મારી ઓફિસ કલેક્ટર કચેરીના સંકુલમાં જ આવેલી છે અને અત્યાર સુધી મને કોઈ કડવો અનુભવ થયો નથી. અમે અધિકારીઓ સાથે મળીને જ અનેક જનકલ્યાણકારી યોજનાઓના કેમ્પ ચલાવી રહ્યા છીએ અને વડોદરામાં વહીવટી તંત્ર સાથે સારું સંકલન જોવા મળે છે.”
વધુમાં તેમણે ઉમેર્યું કે, “કોઈપણ ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાની વેદના કે રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરી જ શકે છે. આ પત્રમાં કયા ધારાસભ્યોએ શું રજૂઆત કરી છે તે અંગે હું પહેલા ધારાસભ્ય સાથે ચર્ચા કરીશ અને તેમની રજૂઆત મંગાવીને તેનો ઊંડો અભ્યાસ કરીશ. ત્યારબાદ જ હું આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરી શકીશ.”
ધારાસભ્યો કરતા સાંસદે કંઈક અલગ જ વાત કરતા આ વિવાદ હજુ વધારે વકરે તેવા સંભાવના જોવાઈ રહી છે.