ધાનપુરના નણુ ગામનો યુવક ગણેશ વિસર્જન કરતી વખતે ડૂબી ગયો
દાહોદ, બારીયા ફાયર વિભાગે વહેલી સવારે મૃતદેહને શોધીને બહાર કાઢ્યો
યુવકનું મોત થતા પરિવાર સહિત તાલુકામાં ગમગીની છવાઈ
દાહોદ: દાહોદ શહેર સહિત જિલ્લામાં ગણેશોત્સવની ધૂમ મચી છે. જિલ્લામાં સ્થળે સ્થળે નાના-મોટા પાયે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તહેવારોની ઉજવણીમાં ગણેશ વિસર્જનનો પણ સમાવેશ થાય છે. વિસર્જન દરમિયાન ઘણીવાર દુર્ઘટનાઓ બનતી હોય છે.

ધાનપુર તાલુકાના અદલવાડા ડેમમાં ગણેશ વિસર્જન કરવા નણુ ગામનો યુવક ગયો હતો, ત્યારે ડેમમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ધાનપુર પોલીસે સ્થળ પર દોડી આવી હતી.
ધાનપુર તાલુકાના અદલવાડા ડેમ પાસે ભેરુ ભાઈ નણુ ભાઈ પદવી (ઉ.વ.૨૨) રહે. તે પોતાના પરિવારજનો સાથે ગણેશ વિસર્જન કરવા ગયો હતો. વિસર્જન દરમિયાન તે ડેમમાં ડૂબી જતા તેનો ભાઈ સહિતના લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવક ડૂબી જતાં તેનું મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતાં દાહોદ -બારીયા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા અને શોધખોળ શરૂ કરી હતી. અંતે વહેલી સવારે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
મૃતકના મોતથી પરિવારજનોમાં કરૂણ રડારોડ મચી ગયો હતો. સાથે સમગ્ર તાલુકામાં આ દુર્ઘટનાની જાણ થતાં ગમગીની છવાઈ હતી. મૃતક યુવકના પરિવારમાં શોકનું વાતાવરણ છવાયું હતું