Charotar

ધર્મજમાં 21 કમળાની ઝપેટમાં આવ્યાં, આરોગ્યની 11 તૈનાત કરાઇ

ચરોતરના પેરીસ ધર્મજ ગામમાં પાણીજન્ય રોગચાળો : આરોગ્ય વિભાગની નોટીસ ઘોળી પી જનાર પંચાયતના પાપે નિર્દોષ હેરાન પરેશાન


ગ્રામ પંચાયતના વહીવટદાર એવા તલાટીની ઘોર બેદરકારી સામે રોષ


(પ્રતિનિધિ) પેટલાદ તા.21
પેટલાદના ધર્મજ ખાતે છેલ્લા એક સપ્તાહથી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. ગામના છ વિસ્તારો રોગચાળાના ભરડામાં લપેટાયા છે. આ દિવસો દરમ્યાન ગામના 21 જેટલા લોકોને કમળો થયો હોવાનું સામે આવ્યું છે. જેને કારણે જીલ્લા આરોગ્ય વિભાગના ડોક્ટરો સહિત સીએચસી અને પીએચસીની 11 જેટલી ટીમો પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. કમળાની ઝપેટમાં આવેલા દર્દીઓની ડોર ટુ ડોર આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે. પાણીજન્ય રોગચાળો વધુ ફેલાય નહીં તે માટે આરોગ્ય વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. જો કે ગામમાં પાણીના લીકેજ અને ક્લોરિનેશનની સમસ્યાને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય ગ્રામજનોમાં ચાલી રહ્યો હોવાનું જાણવા મળે છે.
પેટલાદ તાલુકાનું ધર્મજ ગામ અતિ વિકસીત માનવામાં આવે છે અને એટલે ચરોતરનું પેરિસ પણ ગણાય છે. અહીંયાની ગ્રામ પંચાયત દરેક ક્ષેત્રે અગ્રેસર માનવામાં આવે છે. પરંતુ આ ગામમાં છેલ્લા ઘણાં સમયથી તલાટી એટલે કે વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. આ શાસન દરમ્યાન ગામમાં છેલ્લા એક અઠવાડીયાથી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. ગામમાં પંદર દિવસ અગાઉ લીકેજ પાણી સંદર્ભે આરોગ્ય વિભાગે ધર્મજ ગ્રામ પંચાયતને લેખિતમાં જાણ કરી હતી. પરંતુ આ નોટીસ ઘોળી પી જવામાં આવી હતી અને પંચાયત દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યાં ન હતા. જેથી એકાદ અઠવાડીયા અગાઉ પુન: આરોગ્ય વિભાગે પંચાયતને લીકેજ પાણી અને કનેક્શન બાબતે લેખીતમાં જાણ કરી હતી. આમ છતાં પંચાયત દ્વારા કોઈ જ રીપેરીંગ હાથ ધરાયું નહોતું. પરંતુ 13મી ફેબ્રુઆરીએ કમળાના કેસ સામે આવતા વહીવટદાર શાસનની બેદરકારી સામે આવી હતી. બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક ટીમ ઉતારી સર્વે હાથ ધર્યું હતું. જેમાં તબક્કાવાર રોજેરોજ કમળાના દર્દીઓ નોંધાયા હતા. જેમાં શુક્રવાર સુધીમાં કમળાના દર્દીઓનો આંકડો 21 પહોંચ્યો હતો. જેથી આરોગ્ય વિભાગ સાથે ગ્રામ પંચાયત બન્ને હરકતમાં આવી ગયાં હતાં. વડદલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર‌ અને જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 11 જેટલી ટીમો ધર્મજ ખાતે જુદા જુદા વિસ્તારોમાં તૈનાત કરાઈ હતી. જેઓએ પ્રભાવિત વિસ્તારોમાં ડોર ટુ ડોર આરોગ્ય અને પાણીની ચકાસણી કરી લોકોને જરૂરી સુચનો અને તકેદારીનું માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, કમળાના 21 દર્દી પૈકી બે હિપેટાઈટીસ એ પોઝીટીવ હતા. જ્યારે બાકીના દર્દીઓને સામાન્ય કમળો હતો. ઉપરાંત આ 21 પૈકી કરમસદ મેડીકલ ખાતે 1, પેટલાદ સિવીલમાં 4 અને શારદા પોલીયો એન્ડ ઓર્થોપેડીક ધર્મજ 3 દર્દીઓને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top