ભાવ આપવાનો બંધ કરતા યુવકે મોબાઇલ ચેટિંગના સ્ક્રીનશોટ તથા બિભત્સ મેસેજ પરિવાર અને મિત્ર વર્તુળમાં મોકલ્યા
વડોદરા :
વાઘોડિયા વિસ્તારમાં આવેલી એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિધાર્થિનીએ મિત્રતા તોડી નાખતાં ઉશ્કેરાયેલા યુવકે તેનો અવારનવાર પીછો કર્યો હતો અને સંબંધ ચાલુ રાખવા દબાણ કર્યું હતું. વિધાર્થિનીએ સંપર્ક તોડી નાખ્યા બાદ પણ યુવકે હેરાનગતિ ચાલુ રાખી, તેમજ વિધાર્થિની સાથેના મોબાઇલ ચેટિંગના સ્ક્રીનશોટ અને બિભત્સ મેસેજ તેના પરિવારજનો તથા મિત્રોને મોકલ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વિધાર્થિની અને યુવક વચ્ચે શરૂઆતમાં વાતચીત અને ચેટિંગ થતું હતું, પરંતુ થોડા સમય બાદ વિધાર્થિનીને સંબંધ અનુકૂળ લાગ્યો ન હતો. તેણે મિત્રતા રાખવાની ના પાડી અને નંબર બ્લોક કર્યો છતાં યુવકે યુનિવર્સિટીમાં આવતી-જતી વખતે તથા રહેણાંક વિસ્તારમાં પીછો ચાલુ રાખ્યો. ગત ડિસેમ્બરમાં યુવક દ્વારા વિધાર્થિનીના ઘરે જઈ વાતચીત માટે દબાણ કરાયું હોવાનો પણ આરોપ છે.
છેલ્લા એક અઠવાડિયાથી પરિવાર અને મિત્રોને અશ્લીલ મેસેજ મોકલાતા કંટાળીને વિધાર્થિનીએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.