રહીશોની પાલિકાના સ્ટાફ સાથે જીભાજોડી
વડોદરા કોર્પોરેશનની હદમાં સમાવવામાં આવેલા ધનિયાવી ગામના 500 જેટલા ઝૂંપડાવાસીઓને વિવિધ સરકારી આવાસમાં શિફ્ટ કરવા માટે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે આજે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, ઝૂપડાવાસીઓ ઝૂંપડા ખાલી કરવા તૈયાર નથી. આજે પાલિકાની ટીમ દ્વારા ઝૂંપડાવાસીઓને સમજાવવા સાથે અંતિમ નોટિસો આપી ઝૂંપડા ખાલી કરવા જણાવ્યું હતું. એક તબક્કે ઝૂંપડાવાસીઓ અને અધિકારીઓ વચ્ચે ચકમક ઝરી હતી.
વડોદરા પાલિકા હદમાં સમાવવામાં આવેલા ધન્યાવી ગામમાં અંદાજે 400થી 500 ઝૂંપડા આવેલા છે. તે પૈકી કેટલાક ઝૂંપડા ખાલી છે. અહીંના બાકીના ઝૂંપડામાં રહેતા રહીશોને પાલિકા પોતાના ખાલી પડેલા 2500 જેટલા સરકારી આવાસમાં શિફ્ટ કરવાની તજવીજ હાથ ધરી છે. અગાઉ પણ તંત્રએ અહીંના રહીશોને ઝૂંપડા ખાલી કરી આવાસ યોજનામાં ખસી જવા તાકીદ કરી હતી પરંતુ તેઓ માન્યા ન હતા. ત્યારે આજે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે અહીંના ઝુંપડાવાસીઓને જગ્યા ખાલી કરવા અંતિમ નોટીસ બજાવી છે અને અન્યત્ર ખસી જવાની તાકીદ કરી છે. આ સાથે તેઓને ફોર્મ ભરાવાની પ્રક્રિયા પણ શરૂ કરાવતા રહીશોએ ભારે ઉશ્કેરાટ સાથે નારાજગી વ્યક્ત કરી હતી. પોતે અહીંના ઝૂંપડા ખાલી કરવા નથી તેમ જણાવતા રહીશો અને નોટિસ બજાવવા ગયેલા પાલિકાના સ્ટાફ વચ્ચે જીભાજોડી થઈ હતી.