Vadodara

દોઢ વર્ષ બાદ પહેલી વાર જુનિયર ક્લાર્કનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરી 111 ઉમેદવારોને નિમણૂક અપાઈ

વર્ષ 2023માં 552 જગ્યાની જુનિયર ક્લાર્ક ભરતી માટે 1 લાખથી વધુ અરજીઓ આવી હતી

વેઇટિંગ લિસ્ટ જાહેર થયા બાદ પણ પાલિકામાં જુનિયર ક્લાર્કની અંદાજિત 150 જગ્યા ખાલી રહેશે

વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી જુનિયર ક્લાર્કની સંખ્યા ઘટતી જતી હોવાના સમાચાર અવારનવાર ગુજરાતમિત્ર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. ગુજરાતમિત્રના અહેવાલ બાદ હવે પાલિકાએ છેલ્લા દોઢ વર્ષથી અટકેલું જુનિયર ક્લાર્કનું વેઇટિંગ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 111 ઉમેદવારોને જુનિયર ક્લાર્ક તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. હાલમાં પાલિકામાં કાર્યરત આશરે 150 જેટલા જુનિયર ક્લાર્કને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મળી ગઈ છે. ટૂંક સમયમાં તેઓ રાજીનામું આપી અન્ય જગ્યાએ જોડાવાના હોવાથી પાલિકા સામે કર્મચારીની અછત ઊભી થઈ હતી. આ પરિસ્થિતિમાં હવે જાહેર કરાયેલા વેઇટિંગ લિસ્ટ દ્વારા 111 નવા જુનિયર ક્લાર્ક અલગ અલગ વોર્ડ ઓફિસ, ઝોન ઓફિસ, આરોગ્ય, ઓડિટ સહિતના વિભાગોમાં ફરજ સંભાળશે. વર્ષ 2023માં યોજાયેલી જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા માટે 552 જગ્યાની સામે અંદાજિત 1 લાખ જેટલી અરજીઓ આવી હતી. પરીક્ષાની પ્રક્રિયા બાદ વર્ષ 2024માં 480 જેટલા ઉમેદવારો જુનિયર ક્લાર્ક તરીકે જોડાયા હતા. પરંતુ ટૂંક સમયમાં જ 50થી વધુ ઉમેદવારોને હાઇકોર્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય જગ્યાએ નોકરી મળી જતા તેઓ વડોદરા કોર્પોરેશન છોડી ગયા હતા.

તદુપરાંત તાજેતરમાં 110 જેટલા જુનિયર ક્લાર્ક રાજ્ય સરકારની CCE ગ્રુપ A તથા ગ્રુપ B ની પરીક્ષામાં સફળ થયા છે. આ ઉમેદવારો પણ આગામી સમયમાં રાજીનામું આપશે એવી શક્યતા છે. પરિણામે ભરતી કરાયેલા 552માંથી અંદાજિત માત્ર 200 જેટલા જુનિયર ક્લાર્ક જ ફરજ પર હાજર રહ્યા હતા. હવે વેઇટિંગ લિસ્ટ જાહેર થતાં 111 નવા ઉમેદવારોની નિમણૂક થશે. આમ કુલ મળીને પાલિકામાં અંદાજે 350 જેટલા જુનિયર ક્લાર્ક મળશે. તેમ છતાં 150 જેટલી જગ્યાઓ હજુ ખાલી રહેશે. ઉલ્લેખનીય છે કે, જુનિયર ક્લાર્કની ભરતી થયા બાદ દોઢ વર્ષ બાદ પહેલી વાર વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. નિયમ મુજબ બે વર્ષ પૂરા થયા બાદ વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવતું નથી. તેથી ઉમેદવારોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે 552 જગ્યાની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી, ત્યારે વેઇટિંગ લિસ્ટ પણ તેટલી જ સંખ્યામાં જાહેર થવું જોઈતું હતું. આ નિર્ણયથી લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારોને નિમણૂક મળતાં રાહત અનુભવી છે, પરંતુ પાલિકા સામે હજુ પણ મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓનો પ્રશ્ન યથાવત્ છે.


2016 અને 2018માં પાલિકાએ 4થી વધુ વખત વેઇટિંગ લિસ્ટ જાહેર કરવું પડ્યું હતું

વર્ષ 2016 અને 2018માં પણ ઉમેદવારોની અછતની પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પાલિકાને 4થી વધુ વખત વેઇટિંગ લિસ્ટ જાહેર કરવું પડ્યું હતું. જ્યારે આ વખતે પરીક્ષા યોજાયા બાદ દોઢ વર્ષના ગાળે વેઇટિંગ લિસ્ટ જાહેર થયું છે, તે પણ પૂરતી સંખ્યામાં જાહેર કરવામાં આવ્યું નથી.


વડોદરા પાલિકાની સર્વેયર ભરતી 8 વર્ષથી અટવાઈ !

વર્ષ 2016-17માં વડોદરા મહાનગર પાલિકાએ સર્વેયરની ભરતી જાહેર કરી હતી. આ માટે રાજ્યભરમાંથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પરંતુ પાલિકા દ્વારા પરીક્ષા યોજાઈ નહીં. આજે 8 વર્ષ બાદ પણ આ ભરતી અધૂરી રહી છે. દરમિયાનમાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર થતાં હવે ઉમેદવારોને ડિગ્રી જરૂરી થઈ છે. જેના કારણે આ ભરતી રદ થવાની સ્થિતિ સર્જાઈ છે. ઉમેદવારો વારંવાર રજૂઆત કરે છે છતાં પાલિકા તરફથી કોઈ યોગ્ય જવાબ મળતો નથી. અધિકારીઓની બદલી અને નિર્ણય ન થવાને કારણે યોગ્ય લાયક યુવાઓ નોકરીથી વંચિત રહ્યા છે.

Most Popular

To Top