
*વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનને યુવાનોએ ઉત્સાહભેર વધાવ્યું છે – મુખ્યમંત્રી
*૦ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની હેરીટેજ થીમના કારણે દેશવિદેશના દોડવીરો સાંસ્કૃતિક વડોદરાના ગૌરવશાળી ઐતિહાસિક વારસા અને વિકાસને જાણશે*
*૦ ખેલ મહાકુંભમાં ૭૧ લાખ રમતવીરોનો નોંધણી ગુજરાતીઓના રમતગમત પ્રત્યેના ઉત્સાહ – ઉમંગને દર્શાવે છે*
*વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં હજારો નાગરિકોએ એક સાથે માર્ગ સલામતીના શપથ લેવા બદલ વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ લંડનમાં નોંધણી*
મુખ્યમંત્રી પટેલે સગર્વ જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનને યુવાનોએ ઉત્સાહભેર વધાવ્યું છે અને સમગ્ર દેશ સ્વાસ્થ્યભરી જીવનશૈલી પ્રત્યે જાગૃત થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય વર્ધક આહારવિહાર કરવાનું પ્રમાણ પણ વધ્યું છે.
મુખ્યમંત્રીએ આજે વહેલી સવારે વડોદરાના નવલખી મેદાન ખાતેથી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની ૧૨મી આવૃત્તિનો ઝંડી દેખાડી પ્રારંભ કરાવ્યો હતો અને મેરેથોનમાં જોડાયેલા ૧.૨૦ લાખ નાગરિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો પણ આ મેરેથોનમાં જોડાયા હતા.
પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસ ભી, વિરાસત ભીનો કાર્યમંત્ર આપ્યો છે અને વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની હેરીટેજ થીમના કારણે દેશવિદેશના દોડવીરો સાંસ્કૃતિક વડોદરાના ગૌરવશાળી ઐતિહાસિક વારસા અને વિકાસને જાણશે.
તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાના ઉદ્દઘાટન સમારોહમાં વડાપ્રધાને દેશવાસીઓને કસરત અને આહારશૈલી ઉપર લક્ષ્ય રાખવા આહ્વાન કર્યું હતું. કસરત સાથે પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ લાવીને આપણે સૌ ફિટ ઇન્ડિયા મૂમેન્ટને સાકાર કરવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકારની રમતગમત પ્રોત્સાહક નીતિની પ્રતીતિ કરાવતા ખેલ મહાકુંભની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ વખતે ખેલ મહાકુંભમાં ૭૧ લાખ જેટલા રમતવીરોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા નોંધણી કરાવી છે અને આ વાત રાજ્યના નાગરિકોનો સ્પોર્ટ્સ પ્રત્યેનો ઉમંગ-ઉત્સાહ દર્શાવે છે.
વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની સાથે અહીં ઉપસ્થિત હજારો દોડવીરોએ એક સાથે માર્ગ સુરક્ષાના શપથ ગ્રહણ કર્યા હતા અને તેની નોંધ વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ લંડન દ્વારા નોંધ લેવામાં આવી હતી. આ વિશ્વવિક્રમનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.
આ વેળાએ વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમાર, મેયર પિંકીબેન સોની, મુખ્યદંડક બાળુભાઇ શુક્લ, સ્થાયી સમિતિ ચેરમેન ડો. શીતલભાઇ મિસ્ત્રી, તેજલબેન અમીન, ભાજપ પ્રમુખ ડો. વિજયભાઇ શાહ, પોલીસ કમિશનર નરસિમ્હા કોમર, કલેક્ટર બી. એ. શાહ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.