મહીસાગર ખાતે નવીન ફીડરલાઇનનું જોડાણ દોડકાથી રાયકા ગામ સુધી કરવામાં આવતા વડોદરા શહેરના ઉત્તર અને પૂર્વ ઝોનમાં પાણી વિતરણમાં સુધારો થયો છે. દોળકા ખાતે વધારાનો એક પમ્પ શરૂ કરવામાં આવતા રોજિંદા પાણી પુરવઠામાં 12 MLD વધારાનું પાણી મળવાનું શરૂ થયું છે. પાણી પુરવઠા શાખા મુજબ, વધારાના પાણીનો જથ્થો કારેલીબાગ ટાંકી, લાલબાગ ટાંકી, એરપોર્ટ બુસ્ટર, ખોડીયારનગર બુસ્ટર, વારસિયા બુસ્ટર અને આજવા રોડ પાણીની ટાંકી સહિતના વિતરણ મથકોમાં પહોંચાડવામાં આવી રહ્યો છે. જેના કારણે આ વિસ્તારોમાં પાણીનો દબાણ અને પુરવઠો બંનેમાં સુધારો નોંધાયો છે.
ખોડીયારનગર બુસ્ટર ખાતે સાંજના ઝોનમાં પાણીના દબાણમાં સુધારો થયાની પુષ્ટિ પાણી પુરવઠા શાખાની ટીમે સ્થળ પર ચેકિંગ કરીને કરી છે. ઉપરાંત મંજલપુર ગામમાં પાણી ચેકિંગનું કામ કરવામાં આવ્યું હતું. તે જ રીતે લાલબાગ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં પણ પાણી પુરવઠાની સ્થિતિ સુધરી છે. દંતેશ્વર વિસ્તારમાં ચેકિંગ દરમિયાન પાણીના દબાણમાં સુધારો જોવા મળ્યો હતો. પાણી પુરવઠા શાખા મુજબ, નવી ફીડરલાઇન અને વધારાના પમ્પના સંયોજનથી ઉત્તર અને પૂર્વ ઝોનના રહેવાસીઓને અગાઉ કરતાં વધુ સ્થિર અને યોગ્ય પાણી પુરવઠો મળવાની અપેક્ષા છે.