દિવસના બપોરે 1 વાગ્યા આસપાસ થયું સર્વર ડાઉન, PhonePe, Google Pay અને Paytm પર થતા ટ્રાન્ઝેક્શન્સમાં આવ્યાં અવરોધ
વડોદરા: આજના રોજ દેશભરના હજારો યુઝર્સે UPI પેમેન્ટસનો ઉપયોગ કરતા સમયે અવરોધની ફરિયાદ કરી હતી. ખાસ કરીને વડોદરા સહિત ગુજરાતના અનેક શહેરોમાં Google Pay, PhonePe અને Paytm જેવી એપ્લિકેશનો પર પેમેન્ટ ફેલ થવાની ઘટનાઓ સામે આવી છે. Downdetector નામની વેબસાઇટ મુજબ બપોરે 1 વાગ્યાના અરસામાં કુલ 2,300થી વધુ યુઝર્સે સર્વિસ ખલેલની જાણકારી આપી હતી. ઘણા યુઝર્સે પોતાના બેંક એકાઉન્ટમાંથી રકમ ડેબિટ થવાની પણ રિસીવર સુધી ન પહોંચવાની ફરિયાદ પણ નોંધાવી હતી.
વડોદરામાં કામ કરતા ફ્રીલાન્સર કહે છે, “મારે ક્લાઈન્ટને ફટાફટ પેમેન્ટ કરવું હતું. પણ ત્રણ વખત ટ્રાય કર્યા પછી પણ પેમેન્ટ ફેલ થયું. મૂંઝવણભર્યો અનુભવ રહ્યો.” ઑનલાઇન ફૂડ ડિલિવરી અને શોપિંગ સાઇટ ઉપર પણ વ્યવહાર થઈ શકયા નહોતા. કેશ લીધા વગર બહાર નીકળેલા લોકોએ તકલીફો સહન કરવી પડી હતી. ટ્રેન અને બસના ઓનલાઇન બુકિંગ થઈ શક્યા નહોતા. જે લોકોને બીલ પેમેન્ટ માટે છેલ્લો દિવસ હતો તેમણે પેનલ્ટી લાગવાનો ભય સતાવી રહ્યો છે.
NPCI (National Payments Corporation of India) એ આ ટેકનિકલ ખલેલની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે, “UPI સેવાઓમાં અસ્થાયી ટેક્નિકલ ખલેલને લીધે કેટલીક ટ્રાન્ઝેક્શન્સ ફેલ થઈ રહી છે. ટેકનિકલ ટીમ સમસ્યા ઉકેલવા માટે કાર્યરત છે.” વિશેષ જાણકારી પ્રમાણે, આ ખલેલ કોઈ એક એપ કે બેંકની નથી, પણ સમગ્ર UPI નેટવર્ક સ્તરે જોવા મળી રહી છે, જેને કારણે દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ફરિયાદો આવી રહી છે.

આવી અડચણો આપણી ડિજીટલ ઈકોનોમી પર વધતી નિર્ભરતાને યાદ અપાવે છે. એટલા માટે પણ નાગરિકોએ પણ ઓલ્ટરનેટ પેમેન્ટ વિકલ્પો સાથે તૈયાર રહેવું જરૂરી બની રહ્યું છે. જ્યાર સુધી સર્વિસ પુરી રીતે રેસ્ટોર ન થાય, તયાં સુધી યુઝર્સે ડિજીટલ પેમેન્ટ કરતા પહેલા બે વાર ચકાસી લેવું અને શક્ય હોય ત્યાં સુધી QR સ્કેન કરતા પહેલા ટ્રાન્ઝેક્શન કન્ફર્મ થવાનો મેસેજ આવે છે કે નહીં તેનું ધ્યાન રાખવું.