Dahod

દેવગઢ બારીયામાં લખપતિઓના રેશનકાર્ડ ખુલ્લા પડ્યા: 6 લાખથી વધુ આવક છતાં NFSAનો લાભ

મામલતદારની તાત્કાલિક કાર્યવાહી, 295 રેશનકાર્ડ ધારકોને નોટિસ, રદ કરવાની પ્રક્રિયા શરૂ

દાહોદ તા.5

દેવગઢ બારીયા તાલુકામાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા (NFSA) હેઠળ ગરીબો માટે રાખવામાં આવેલા રેશનકાર્ડનો ગેરકાયદેસર લાભ લેતા 295 લખપતિ રેશનકાર્ડ ધારકો સરકારના રડારમાં આવ્યા છે. આ તમામ રેશનકાર્ડ ધારકોની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ હોવાનું ઈન્કમ ટેક્સ વિભાગના સેન્ટ્રલ સર્વરના ડેટામાંથી સામે આવ્યું છે. આ ઘટનાને પગલે દેવગઢ બારીયા મામલતદારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, આવા તમામ રેશનકાર્ડ ધારકોને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે.

ઈન્કમ ટેક્સ વિભાગે સેન્ટ્રલ સર્વરમાંથી તૈયાર કરેલી યાદી દેવગઢ બારીયા મામલતદાર કચેરીને મોકલી હતી, જેમાં 295 એવા રેશનકાર્ડ ધારકોની વિગતો હતી કે જેઓ ગરીબી રેખા હેઠળ ન આવતા હોવા છતાં NFSA, BPL અને અંત્યોદય યોજનાના રેશનકાર્ડ ધરાવે છે. આ યાદી મળતાં જ મામલતદાર સમીર પટેલે તમામ 295 રેશનકાર્ડ ધારકોને નોટિસ પાઠવી, તેમની આવક અને રેશનકાર્ડની પાત્રતા અંગે ખુલાસો માગ્યો હતો.

મામલતદાર સમીર પટેલે જણાવ્યું કે, “સેન્ટ્રલ સર્વરમાંથી મળેલા ડેટા પ્રમાણે, આ 295 રેશનકાર્ડ ધારકોએ ઈન્કમ ટેક્સ રિટર્નમાં વાર્ષિક 6 લાખથી વધુ આવક દર્શાવી છે. આવા લોકો ગરીબી રેખા હેઠળ આવતા નથી, છતાં તેઓ NFSA રેશનકાર્ડનો લાભ લઈ રહ્યા છે. અમે તમામને નોટિસ આપી ખુલાસો માગ્યો છે. અત્યાર સુધીમાં 195 રેશનકાર્ડ ધારકોએ ખુલાસો આપ્યો છે, અને તેમના રેશનકાર્ડ નોન-NFSA કરવાની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. બાકીના 100 રેશનકાર્ડ ધારકોના ખુલાસા મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને તેમના રેશનકાર્ડ પણ નોન-NFSA કરવામાં આવશે.”

આ ઘટનાએ દેવગઢ બારીયા તાલુકામાં ચકચાર જગાવી છે. પુરવઠા વિભાગ દ્વારા સખત અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો હજુ પણ સેંકડો એવા લોકો સામે આવી શકે છે, જેઓ પાત્રતા ન ધરાવતા હોવા છતાં સરકારી અનાજનો લાભ લઈ રહ્યા છે. આવા લોકોને યાદીમાંથી દૂર કરી, ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને NFSA યોજનાનો લાભ આપવાની માંગ ઉઠી છે.

દેવગઢ બારીયા મામલતદારે જણાવ્યું કે, આ બાબતે વધુ ચકાસણી કરવામાં આવશે, અને ગેરકાયદેસર રીતે રેશનકાર્ડ ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી સમયમાં પુરવઠા વિભાગ દ્વારા વધુ નિષ્પક્ષ તપાસ થશે કે કેમ, તે જોવું રહેશે. જો કે, આ ઘટનાએ એક વાત સ્પષ્ટ કરી છે કે, ગરીબો માટે બનાવેલી યોજનાઓનો લાભ ખરેખર જરૂરિયાતમંદોને જ મળવો જોઈએ.

Most Popular

To Top