Dahod

દેવગઢ બારીયાના વાંદર ગામે રોડ પર ટેમ્પોમાં આગ લાગતા આશરે અઢી લાખનું નુકસાન


દાહોદ તા.૧૩

બપોરના સમયે ધોમધખતા તાપમાં પુરપાટ જઈ રહેલા ટાટા એસી ટેમ્પોમાં અચાનક આગ લાગતા આગમાં ગાડીના પાછળના બે ટાયર તથા બોડી સિવાયના બધા સ્પેરપાર્ટ બળીને રાખ થઈ જતા અંદાજે રૂપિયા અઢી લાખનું નુકસાન થયાનું પોલીસ સુત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકાના વાંદર ગામના નિશાળ ફળિયામાં રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા ૨૮ વર્ષીય રાહુલકુમાર ભારતસિંહ બારીયા પોતાનો જીજે ૨૦ એક્સ-૩૧૮૭ નંબરનો ટાટા એસી કંપનીનો ટેમ્પો પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ વાંદર ગામના માળી ફળિયાના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બપોરના પોણા ત્રણ વાગ્યાના સુમારે રાહુલકુમાર બારીયાના ટાટા એસી કંપનીના ટેમ્પોમાં અચાનક આગ લાગતા રોડ પર જ ગાડી ભડભડ બળવા લાગી હતી અને જોત જોતામાં આખી ગાડી આગની લપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ કરતા જ દેવગઢ ફાયર બ્રિગેડ ના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવી આગ હોલવી નાખી હતી. આગમાં ગાડીના પાછળના બે ટાયર તથા બોડી સિવાયના તમામ સ્પેરપાર્ટ બળીને રાખ થઈ જતા અંદાજે રૂપિયા અઢી લાખનું નુકસાન થયું હતું. આ મામલે ટેમ્પોના ચાલક રાહુલકુમાર ભારતસિંહ બારીયાએ દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા આ સંદર્ભે દેવગઢબારિયા પોલીસે જાણવા જોગ નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top