દાહોદ ::
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરના રાજ મહેલના કમ્પાઉન્ડમાં વન્યપ્રાણી દીપડો આવી ચડ્યો હતો. આ દીપડાએ એક ઈસમ ઉપર હુમલો કરતા ગંભીર ઈજાઓ થઈ હતી.

નગરના પીપલોદ રોડ ઉપર આવેલા રાજ મહેલ કમ્પાઉન્ડ માં વન્ય પ્રાણી દીપડો આવી ચડ્યો હતો અને રાજ મહેલ વિસ્તારમાં કામ કરતા ઈસમ ઉપર હુમલો કર્યો હતો. બપોરના ત્રણ વાગ્યાના અરસામાં મહેલના કમ્પાઉન્ડમાં કામ કરતા ઈસમ ઉપર એકાએક દિપડાએ હુમલો કરતા મહેલમાં દોડધામ મચી ગઇ હતી.

કમલેશભાઈ ધનાભાઈ હરીજન ઉ 38ને દીપડાના હુમલામાં ગંભીર ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડાયો હતો. વન વિભાગના કર્મીઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને વન વિભાગના કર્મીઓ દ્વારા વન્ય પ્રાણી દીપડાની તપાસ હાથ ધરાઈ હતી.

દેવગઢ બારીઆ નગર ના પીપલોદ રોડ ઉપર રાજ મહેલમાં હાલમાં રાજવી પરિવાર રહે છે , જે રાજમહેલની આજુબાજુમાં મોટો કમ્પાઉન્ડ વોલ બનાવેલી છે. જેમાં આજરોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં રાજમહેલમાં કામ કરતો હરીજન કમલેશ ધનાભાઈ ઉ વર્ષ ૩૮ જે કમ્પાઉન્ડ વિસ્તારમાં સાફ-સફાઈ કરતો હતો, તે વખતે અચાનક જ વન્યપ્રાણી દીપડો આવી ચડતા એકાએક દીપડાએ તેની ઉપર હુમલો કરી દેતા કમલેશે એકા એક બૂમાબૂમ કરતા દિપડો ઝાડી ઝાંખરા તરફ ભાગી ગયો હતો. જ્યારે કમલેશ lના માથાના તેમજ કાન તેમજ બરડાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને લોહી લુહાણ હાલતમાં સારવાર હેઠળ દેવગઢ બારીઆ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારે આ બનાવની જાણ સ્થાનિક વન વિભાગને કરતા વન વિભાગના આરએફઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વન્યપ્રાણી દીપડાની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી. આ બનાવને લઈ રાજવી પરિવાર તુષારસિંહ બાબા પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી ઇજાગ્રસ્ત કમલેશ હરીજનની સારવાર કરનાર તબીબ સાથે વાતચીત કરી તેના ખબર અંતર પૂછ્યા હતા . જ્યારે નગરના રાજમહેલ વિસ્તારમાં વન્યપ્રાણી દીપડો હોવાની વાત વાયુવેગે પ્રસરતા નગરજનો મોટી સંખ્યામાં રાજમહેલમાં વન્યપ્રાણી દીપડો જોવા માટે આવી ચડ્યા હતા. ત્યારે વન વિભાગ દ્વારા હાલ તપાસ હાથ ધરી પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હોય તેમ જોવાઈ રહ્યું છે.