Dahod

દેવગઢ બારિયા તાલુકાના પાણીવાસણ આંગણવાડી કેન્દ્ર-૧ માં બાળકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ

બાળકોને જીવડા વાળા ચણા પીરસવાનો આક્ષેપ, દંડરૂપે રૂ. ૨પ હજાર સરકારમાં જમા કરાવવાનો આદેશ

દાહોદ તા 4
દેવગઢ બારિયા તાલુકાના પાણીવાસણ આંગણવાડી કેન્દ્રમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આંગણવાડીમાં બાળકોને જીવડા લાગેલા ચણા આપવામાં આવતા હોવાના ફોટા લાભાર્થી દ્વારા વોટ્સએપ મારફતે મળ્યા હતા, જેના આધારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

પ્રાપ્ત ફોટાઓથી બાળકોના આરોગ્ય સાથે ગંભીર ખિલવાડ થતો હોવાનું સ્પષ્ટ થાય છે. આ બાબતે CDPO/BNM દ્વારા પાણીવાસણ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં અનેક ગંભીર ક્ષતિઓ જોવા મળેલી હતી.“સુપોષિત દાહોદ” અભિયાન અંતર્ગત એપ્લિકેશનમાં સમયમર્યાદામાં ફોટા સાથે જરૂરી એન્ટ્રી કરવામાં આવી ન હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે. ઉપરાંત અપલોડ કરાયેલા ફોટાની ચકાસણી કરતાં ૫૦ ટકાથી ઓછા લાભાર્થી હાજર હોવાનું પણ સામે આવ્યું છે. બાળકોને આંગણવાડીના નક્કી કરાયેલા સમયપત્રક મુજબ કેન્દ્રમાં બોલાવવામાં આવતા ન હોવાનું પણ નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ તા. ૧૩/૧૧/૨૦૨૫ના રોજ સ્ટાફ દ્વારા આંગણવાડીની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. તે સમયે પણ કેટલીક ગંભીર ક્ષતિઓ અને બેદરકારી જોવા મળતા સંબંધિત કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી આ નોટિસનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સંબંધિત આંગણવાડી કેન્દ્રોમાં થયેલ ગંભીર બેદરકારી બદલ દંડરૂપે આંગણવાડી કાર્યકરોનો બે માસનો પગાર તથા એક માસના ગરમ નાસ્તાના બિલની કુલ રકમ રૂપિયા ૨૫,000/- સરકારમાં જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય માટે ચાલતી સરકારી યોજનામાં આવી બેદરકારી સામે આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top