કાલોલ:
શનિવારે રાત્રિના સમયે કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ પંચાયતની ચૂંટણીના બંદોબસ્તના ભાગરૂપે પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને કાલોલ તાલુકાના દેલોલ ગામથી આલોકકુમાર બળવંતભાઈ રાઠોડના મોબાઇલથી માહિતી આપી જણાવાયું હતું કે દેલોલ સુથાર ફળિયામાં નીરવભાઈ ગૌતમભાઈ પટેલ, રહેવાસી રામનાથ, તેઓના પત્ની લતાબેને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી કરી હોય પત્નીની તરફેણમાં વોટીંગ કરાવવા માટે મતદારોને લોભ લાલચ આપવા માટે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે.
ટેલીફોનિક માહિતી મળતા પીએસઆઇ પી કે ક્રિશ્ચયન પોલીસ સ્ટાફ સાથે પહોંચ્યા હતા. જ્યાં જીજે ૦૧ આર એચ ૯૫૦૦ નંબરની કાર પડી હતી અને ફળિયાના માણસો ભેગા થઈ રહ્યા હતા. જેથી વધુ પોલીસ સ્ટાફ મંગાવવામાં આવ્યો હતો. પંચોએ ગાડીની નજીક ઉભેલા બે માણસોની પૂછપરછ કરતા નિરવભાઈ ગૌતમભાઈ પટેલ, ઉ વ ૪૮ રે રામનાથ તા કાલોલ તથા ભૌતિકકુમાર ભરતભાઈ પટેલ ઉ વ ૩૨ રે રાબોડ તા. કાલોલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે પંચો રૂબરૂ વિડીયોગ્રાફી કરી ગાડીનું લોક ખોલાવી જોતા વચ્ચેની સીટ ઉપર ખાખી પુઠ્ઠા ના બોક્સમાં એક જ બ્રાન્ડના વિદેશી દારૂના પ્લાસ્ટિકના 180ml ના ક્વાર્ટર નંગ ૧૩ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ ૧૪૩૦ તથા ફોર વ્હીલ ગાડી ની રૂ ૨ લાખ મળી રૂ ૨,૦૧,૪૩૦ નો પ્રોહીબિશન મુદ્દામાલ કબજે કરી બન્ને વ્યક્તિ સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આરોપી પોતે રામનાથ ગામના વતની છે પૂર્વ સરપંચ છે અને હાલ સભ્ય તરીકે ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પત્નીને દેલોલ ખાતે સરપંચના ચુંટણી ઉમેદવાર તરીકે ઊભા રાખ્યા છે.