Vadodara

દેરાસરમાંથી ભગવાનના મુગટ અને દાનપેટીની ચોરી, ₹1.30 લાખનો મુદ્દામાલ લઈ તસ્કરો ફરાર

જરોદ વિસ્તારના ભાણિયાર ગામે દેરાસર તસ્કરોના નિશાને

વડોદરા: વડોદરા જિલ્લાના જરોદ વિસ્તારના ભાણિયાર ગામે આવેલા જૈન દેરાસરને મોડી રાત્રિના સમયે બુકાનીધારી તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ દેરાસરના તાળા તોડી અંદર ઘૂસી ભગવાનના પંચધાતુ મુગટો તથા દાનપેટીની ચોરી કરી કુલ રૂપિયા 1.30 લાખની માલમત્તા લઈને ફરાર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, દિનેશ વિનોદચંદ્ર ભાવસાર દ્વારા સંચાલિત આ જૈન દેરાસરમાં ત્રણ કે તેથી વધુ બુકાનીધારી તસ્કરો મોડી રાત્રે ઘુસ્યા હતા. તસ્કરોએ દેરાસરમાંથી બે પંચધાતુના મુગટ (કિંમત રૂ. 50 હજાર), દાનપેટી તોડી તેમાં રહેલા રૂ. 35 હજાર, તેમજ પંચધાતુના પાંચ સિદ્ધચક્રના ગટ્ટા (કિંમત રૂ. 5 હજાર) સહિત કુલ રૂ. 1.30 લાખની ચોરી કરી હતી.
ચોરીની ઘટના અંગે દિનેશભાઈ ભાવસારે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની જાણ થતા જરોદ પોલીસ તેમજ ગ્રામ્ય એલસીબીની ટીમો દેરાસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે બુકાનીધારી તસ્કરોને ઓળખી ઝડપી પાડવા માટે તપાસમાં ઝંપલાવી છે.
વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોરીના વધતા બનાવો વચ્ચે ધાર્મિક સ્થળોને પણ તસ્કરો દ્વારા નિશાન બનાવાતા હોવાને કારણે લોકોમાં ચિંતા વ્યાપી છે.

Most Popular

To Top