વાપીથી ચાણસ્મા જતી બસ દેણા નજીક અકસ્માતગ્રસ્ત, વલસાડના છ પરીક્ષાર્થી મુસાફરોમાં ત્રણ ઈજાગ્રસ્ત; વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર શરૂ
વડોદરા: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર દેણા નજીક આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. વાપીથી ચાણસ્મા જતી એસટી બસ રસ્તા પર ઉભેલી ટ્રકમાં ઘૂસી જતા બસના મુસાફરોમાં હાહાકાર મચી ગયો હતો. અકસ્માતમાં લગભગ 20થી વધુ લોકોને ઈજા પહોંચી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવારનો ચાલુ છે.

અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડક્ટર સહિતના અનેક લોકોને મધ્યમથી લઈને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે. બસના ડ્રાઈવરને ગંભીર ઈજા થતા સર્જરી વિભાગમાં સારવાર લેવામાં આવી રહી છે. આ એસટી બસમાં વલસાડ જિલ્લા સહિતના વિવિધ વિસ્તારોમાંથી યાત્રા કરતા મુસાફરો હતા.
મળતી માહિતી મુજબ વલસાડના પારડી તાલુકાના નાના વાઘછીપા ગામના છ વિદ્યાર્થીઓ મહેસાણા ખાતે પરીક્ષા આપવા જતાં હતાં. આમાંથી ત્રણ વિદ્યાર્થીઓને આ અકસ્માતમાં ઈજા પહોંચી હતી.

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.નિકુલભાઈ પટેલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર આપીને પાછા મહેસાણા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે તેમનો આવતીકાલે પરીક્ષા સમય છે. ડૉ. પટેલે એમ પણ જણાવ્યું કે વિદ્યાર્થીઓની હાલત સ્થિર છે અને મોટો જોખમ ટળ્યું છે.
પોલીસ અને ફાયર વિભાગની ટિમો સ્થળ પર પહોંચી બચાવ કાર્ય હાથ ધર્યું હતું. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામી ગયો હતો, જે બાદમાં ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં આવ્યો હતો. ટ્રકને રસ્તા પરથી હટાવીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
આ અકસ્માત અંગે દેણા પોલીસ દ્વારા નોંધ લેવામાં આવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તારણ મુજબ દૃશ્યતા ઓછી હોવા કે ઊંઘના ઝોકાથી બસ ડ્રાઈવરનું ધ્યાન નહીં રહેતા અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે.